Wednesday, December 23, 2009

પ્રકૃતિપ્રેમ હોય તો સાપેય મિત્ર બની જાય છે

કચ્છમાં 50 ટકા સાપ ઝેરીઃ સાપ વિશેની ગેરમાન્યતાનું ખંડન કરતા ભુજના નિષ્ણાતો

By ENN, ભુજ, સામાન્ય રીતે સાપ દેખાય એટલે માણસો પહેલેથી ડરીને તેને શત્રુ માની પ્રતિકાર કરવાનું શરૂ કરી દે છે. પરંતુ વાસ્તવમાં તે કોઈનો શત્રુ નથી માત્ર આપણે પ્રકૃતિપ્રેમ જગાવવાની જરૃર છે, તો એ આપણા મિત્ર બની જાય તેમ છે, તો એ આપણા મિત્ર બની જાય તેમ છે. એવી લાગણી અહીંના બે સર્પ નિષ્ણાંતો દર્શાવી હતી.

શિયાળો દસ્તક દઈ રહ્યો છે પણ હજુ ગરમીના લીધે અચાનક સાપ નીકળતા જિલ્લામાં ઘણાં બનાવો હજુ બની રહ્યા છે. ત્યારે હમીરસરની આવના કિનારે વસેલી નવી ઉમેદનગરમાં તાજેતરમાં બનેલા નાગદેવતા નીકળવાના બનાવો સમયે મળી ગયેલા આ નિષ્ણાંતોએ લોકોમાં પ્રવતર્તી અનેક ગેરમાન્યતાઓનું ખંડન કર્યું હતું. ઉમેદનગરના રહેવાસીઓનું કહેવું છે, અમારા વિસ્તારમાં સાપ નીકળે છે તો અમને ભય નથી લાગતો અને ભુજમાં ક્યાંય પણ સાપ નીકળે તો અમારા વિસ્તારમાં બે જાણકારો રૂચિતભાઈ ઠાકર અને કાંતિભાઈ સોલંકી આ જીવને બચાવી લે છે.

રૂચિરભાઈ આમ તો વ્યવસાયે તાલુકાના મંજલની હાઈસ્કુલના શિક્ષક છે, પરંતુ સાહિત્ય અને પ્રકૃતિપ્રેમી છે. અત્યાર સુધી 1000થી વધુ વિવિધ જાતના સાપને બચાવીને જંગલ વિસ્તારમાં છોડી આવનારા રૂચિતભાઈ પત્રકારની વાતચીતમાં કહ્યું કે, સાપ કોઈપણ વ્યક્તિને જોયા પછી ફરીવાર તેને ઓળખી શકતો નથી એટલે તેનો વેર વાળવાનો પ્રશ્ન અસ્થાને છે. કુંભારિયાની તાજેતરની ઘટના અંગે ગેરસમજ દૂર કરતાં તેમણે કહ્યું કે, એકને મારી નાખ્યા બાદ બીજો ત્યાં એવો જ સાપ દેખાય તો અંધશ્રદ્ધાળુઓ વેરની વાત ફેલાવે છે. વળી તે વાત એવું પ્રાણી છે કે, જો તમે પ્રતિક્રિયા ન આપો તો તમારા શરીર પરથી કોઈપણ હાનિ વિના શાંતિથી પસાર થઈ જાય અને છંછેડવામાં આવે તો પણ તે લાંબા અંતર સુધી વ્યક્તિનો પીછો કરી શકતો નથી. આ ઉપરાંત બિનઝેરી સાપ કરડે તો કોડીના દંશ કરતાં પણ ઓછી તકલીફ થાય છે.

કચ્છમાં સાપ-નાગ વિશેની જાણકારી આપતાં કવિતાના વિષયે એમ.ફીલ થયેલા અને કચ્છ ઈકો એન્ડ વાઈલ્ડ ઓર્ગેનાઈઝેશન નામની મિત્રો સાથે સંસ્થા પણ ચલાવતાં શ્રી ઠાકરે કહ્યું કે, કચ્છમાં મુખ્યત્વે ત્રણ ઝેરી સાપ જોવા મળે છે. ટકાવારીની દ્રષ્ટિએ તે લગભગ 50 ટકા છે અને કોબ્રા પ્રકારના છે. આ ત્રણ ઝેરી જાતના કાળતરો (કચ્છીમાં શંખચૂડ), નાગ(કોબ્રા) અને ફુરસા કોડિયાનો સમાવેશ થાય છે. જ્યારે કેટ સ્નેઈક, ટિન્કેટ, વુલ, કોમન એન્ડ બોઆ જેવી અનેક બિનઝેરી સાપની જાતો કચ્છમાં છે, આ જિલ્લાની ખાસિયત એ છે કે, સિન્ધ ક્રેટ સમગ્ર ભારતમાં માત્ર કચ્છમાં જ દેખાય છે. સાપ નીકળે અને કોઈપણ બોલાવે તો વિનામૂલ્યે એટલું જ નહીં ગાંઠના ખર્ચીને પહોંચી સેવાભાવના દાખવતા રૂચિતભાઈએ વધુમાં ઉમેર્યું કે, દરેક જીવપ્રકૃતિના સંતુલન માટે જરૂરી છે. લોકોએ ડરી જઈને સાપને મારી ન નાખવો જોઇએ બમોઈ જાતના સાપ તો એવો છે કે, ગમે તેટલું પરેશાન કરો બટકું જ ન ભરે.

મોટા ભાઇ નિલેન્દુ ઠાકરના પ્રકૃતિપ્રમમાંથી શરૂ કરેલા કાર્યમાં મિત્રો રાપરના યોગેશ જોષી, દીપક ગોસ્વામી, મુંદરાના અશોક ચૌધરી, ભુજના અલ્પેશ જાની, અંજારના પ્રતાપ સેવક, અંજારના ઓસમાણ ખત્રી અને મંજલના વીનેશ વ્યાસ પણ સંસ્થાના માધ્યમથી કચ્છમાં પર્યાવરણ જાગૃતિ સંબંધી પ્રવૃતિમાં સહયોગી હોવાનું રૂચિરભાઇએ ઉમેર્યું હતું.

ઉમેદનગરમાં જ બીજા એવા સાપ નિષ્ણાંત રહે છે કાંતિલાલભાઈ સોલંકી મૂળ રાજકોટના વતની પણ 22 વર્ષથી કચ્છમાં સ્થાયી કાંતિભાઇને ગમે ત્યારે બોલાવો મદદે પહોંચી જાય છે. લોકો તેમને જે કંઈ રકમ આપે તેમાંથી પણ તેઓ અડધી ધર્માદાના કામમાં વાપરે છે. વ્યવસાયે ડ્રાઈવિંગ અને સિલાઈકામ કરતા કાંતિભાઇનું કહેવું છે કે, માત્ર ભુજ નહીં આસપાસના ગામડાઓમાંય લોકો તેમને તેડી જાય છે. કચ્છમાં 100 એ બે કુંભારિયા પ્રકારના સાપ દેખાય છે. ગરમીના મહિનામાં લગભગ દરરોજ તેમને ક્યાંકને ક્યાંક આવી વરધી આવે જ છે એટલું પ્રમાણ વધ્યું છે, પરંતુ ઠંડીમાં તે ઘટી જશે. નાગ દેખાય તો તેને જવા દેવા જોઇએ. તે સીધો કરડતો નથી પણ છંછેડવાથી જો તે ઊભો રહી ગયો તો નિષ્ણાંત વિના હાથમાં નહીં આવે, એવી સલાહ આપતાં તેમણે ઉમેર્યું કે જો કરડી જાય તો તરત આજુબાજુ રૂમાલ બાંધવો જેથી ઝેર આગળ ફેલાય નહીં. હવે 108 એમ્બ્યુલન્સમાં પણ ઈન્જેકશન રાખવામાં આવે છે. 56 વર્ષીય કાંતિભાઇને 20 વર્ષથી આ કુશળતા હાંસલ હોવા ઉપરાંત 26 વાર રક્તદાન પણ કર્યું છે.

સાપ વિશેની અંધશ્રદ્ધા

વનતંત્ર દ્વારા સાપ વિશેની અંધશ્રદ્ધા દૂર કરવા આ પ્રમાણેની માન્યતાનું ખંડન કરી જાગૃતિ ફેલાવાય છે.
■ સાપ ઊડી શકે છે
■ સો વર્ષનું આયુષ્ય હોય છે
■ દૂધ ભાવે છે
■ મારી નાખીયે તો તેનો સાથી બદલો લે છે
■ સાપનું ઝેર ભુવા-તાંત્રિક ઉતારે છે
■ મોરલીની ધૂન પર નાચે છે
■ માથે મણિ હોય છે
■ ઇચ્છાધારી હોય છે, માનવનું સ્વરૂપ લઇ શકે છે.

No comments:

Post a Comment