ક્યાં ચાલી ગઈ ચકલીઓ ?
ચકલીને માળા બનાવવા માટેના સ્થાન કે તેને અનુકૂળ આવે તેવા ખોરાક હવે નથી રહ્યા
ઘરમાં એકાએક ઘૂસી જતી ચકલીને પાછી બોલાવી શકાશે ?
By ENN,
એક સમય હતો કે, ઘરમાં બારણું ખુલ્લું હોય ત્યારે ચકલી આવી જતી અને તે પંખામાં ન આવીને મરે નહીં એટલે આપણે તરત પંખો બંધ કરી દેતા. આજે ઘરના બારણા ખુલ્લા હોય છે. પણ ચકલી નથી લુપ્ત થઈ ગઈ ? એના જવાબમાં એવું કહી શકાય કે, ચકલીઓ લુપ્ત નથી થઈ પણ ઓછી તો થઈ ગઈ છે ! હા, ચકલીને પાછી ઘરે બોલાવી શકાય છે, પણ તેના માટે લોકોએ રસ દાખવવો પડે.
એક સમયે સંખ્યાબંધ ચકલીઓનું ચીં... ચીં... ચીં.... સાંભળવા મળતું, હવે એ સાંભળવા મળતું નથી. ચકલીઓ ઘટી જવાના કારણો ઘણા છે. એક તો અગાઉના સમયમાં ખપેડા, નળિયાવાળા મકાનો હતા. હવે સિમેન્ટના સ્લેબ ભરાય છે. નળિયા અને ખપેડામાં ચકલીઓ માળા બાંધતી. બીજું જૂના ઘરની સિસ્ટમમાં અભેરાઈઓ હતી. લાકડાની અભેરાઈઓ ઉપર તપેલું ઉંધું પડ્યું હોય તો પણ તપેલાની નીચે ચકલીઓ માળા બાંધતી. હવે મોડર્ન મકાનોમાં અભેરાઈઓ રહી નથી. ગઢની રાંગની બખોલની નીચે માળા બાંધતી પણ હવે એટલી સંખ્યામાં ગઢ પણ નથી રહ્યા. હા, એક સમય એવો હતો કે, જૂની સિસ્ટમથી ઘરમાં દીવાલો ઉપર ફોટા ટીંગાતા. નાની ચેઈન કે વાયરથી મોટા ફોટાની પાછળ ચકલીઓ માળા બાંધતી. ફોટાનો ઉપરનો ભાગ નમેલો હોય. આ ફોટા ટીંગાડવાની સિસ્ટમ હવે નથી. ચકલીઓને આપણે સૌથી વધારે માળા બાંધતા જોઈ હોય તો એ છે, ટ્યૂબલાઈટની પટ્ટી. મોટાભાગે ચકલીઓ ટ્યૂબલાઈટની પટ્ટીમાં માળા બાંધતી. હવે નાની લાઈટ સીધી હોલ્ડરમાં ભરાવી દેવાય છે. પટ્ટી સિસ્ટમ પણ ઓછી થઈ એવી રીતે વીજ મીટરના બોક્સમાં સીલ આવવા લાગ્યા. નહીતર વીજ મીટરના બોક્સમાં ચકલીઓ માળા કરતી.
બીજી મુદ્દાની વાત. ચકલીનો મુખ્ય ખોરાક ગણો તો બાજરો, જુવાર, કાંગ કે કમોદ છે, પણ હવે કપાસ અને મગફળીના વધારે વાવેતરના કારણે ચકલીનો મૂળ ખોરાક ઘટી રહ્યો છે, બીજુ ચકલી તેનો માળો જેનાથી બાંધે છે, તે મટીરીયલ તેને ઓછું મળે છે. ઘાસના તણખલા, સૂતળી કે સિંદરીના રેસા, સાવરણીની સળી આ બધાનું પ્રમાણ ઘટતું ગયું છે. ઘાસની વીડી ઓછી થઈ ગઈ છે. સૂતળી અને સિંદરીના બદલે નાઈલોનની દોરી આવી ગઈ છે. ઘરમાં પ્લાસ્ટીકના સાવરણા આવી ગયા છે. સફાઈનું પ્રમાણ વધી ગયું છે. મહાપાલિકાની નવી પ્રથા ઘરે ઘરે કચરો લેવા જવાની છે. લોકો પણ સફાઈ પ્રત્યે જાગૃત બન્યા છે અને તેના કારણે ચકલાંને જે ખોરાક કે માળો બાંધવા મટીરિયલ મળવું જોઈએ તે નથી મળતું.
સવાલ એ આવે કે, શહેરમાં પહેલાં જેમ ચકલી દેખાતી તે હવે જોવા મળતી નથી, તો શું ચકલી લુપ્ત થઈ ગઈ છે ? આ સવાલનો જવાબ એવો છે કે, ના ચકલી લુપ્ત થઈ નથી, ઓછી જરૂર થઈ ગઈ છે. હવે ઘરના પંખીને બચાવવા લોકોએ રસ દાખવવો પડશે.
Thursday, December 3, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment