મુંબઈ વિશ્વનું સાતમાં નંબરનું થર્ડ કલાસ શહેર
By ENN,
મુંબઈમાં બાંદરા-વરલી સી લિન્કનું ઉદ્પાદન કરવામાં આવ્યું ત્યારથી મુંબઈગરા નાગરિકો પોતાના કોલર ઊંચા રાખીને ફરી રહ્યા છે. આખા ભારતમાં જેનો જોટો ન જડે તેવો સેતુ મુંબઈને મળે તે બદલ આ શહેરના નાગરિકો ગર્વ અનુભવે તે સમજી શકાય તેવી વાત છે, પણ આ એક અદ્યતન બ્રિજ બનાવવાને કારણે મુંબઈના નાગરિકોના જીવનની ગુણવત્તા સુદ્યરી જશે, એવું માની લેવાની જરાય જરૂર નથી. બાદરાં-વરલી સી લિન્કની મુલાકાત લેનારા સહેલાણીઓ પછી ત્તદ્દન નજીક આવેલી દ્યારાવીની ઝૂંપડપટ્ટીની મુલાકાત લેશે તો તેમને મુંબઈની જિંદગીની વાસ્તવિકતા સમજાય જશે. દ્યારાવીની કયાં વાત કરવી; મુંબઈના પોશ વિસ્તારમાં નાગરિકોની ક્વોલિટી ઓફ લાઈફ પણ બહુ ઈષ્ર્યા કરવા જેવી નથી.
મુંબઈ શહેરમાં વાલકેશ્વર કે નરીમાન પોઈન્ટ જેવા પોશ વિસ્તારના ગગનચુંબી મકાનમાં રહેતા નાગરિકો ભલે હરખાતા હોય કે તેઓ એક કરોડ કે બે કરોડ ના ફ્લેટમાં રહે છે, પણ માનવ વસાહતોના નિષ્ણાંતો સ્પષ્ટ અભિપ્રાય આપે છે કે ઊંચા મકાનોમાં રહેતા લોકોના જીવનની ગુણવત્તા ખૂબ જ નીચી હોય છે. સ્કાયસ્ક્રેપર્સમાં ઓપન સ્પેસનો બિલકુલ અભાવ હોય છે અને સામાજિક ગતિવિધિઓ સંકોચાઈ જતી હોય છે, જે માનવ સ્વાસ્થય માટે હાનિકારક હોય છે. આ કારણે જ માનવ વસાહતના નિષ્ણાતો મુંબઈ શહેરના ઝૂંપડાંવાસીઓને ઝૂંપડાંની બદલીમાં ગગનચુંબી મકાનોમાં ફ્લેટ આપવાની યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેમનો અભિપ્રાય એવો છે કે, ખુલ્લી જમીન ઉપર જ રહેવાને ટેવાયેલા આ ગરીબ લોકોને ફ્લેટોની બંધિયાર હવા બિલકુલ માફક નહીં આવે અને તેઓ પોતાનું જીવનધોરણ સુધારવા પાછા ઝૂંપડાંઓમાં રહેવા ચાલ્યા જશે. હકીકતમાં ઝૂંપડાંવાસીઓને ફ્લેટો આપ્યા ત્યારે આવું જ બન્યું હતું.
મુંબઈ શહેરમાં માનવ વસાહતો વિશેની છઠ્ઠી આંતરરાષ્ટ્રીય પરિષદ ભરાઈ ગઈ, જેમાં ભાગ લેવા માટે વિશ્વના અનેક ટોચના નિષ્ણાતો પણ આવ્યા હતા. આ પરિષદમાં ડેન્માર્કના વિદ્યાર્થીઓએ યોજેલું પ્રદર્શન સૌનું ધ્યાન ખેંચતું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ગગનચુંબી મકાનોમાં વસતિની ગીચતા ખૂબ જ વધી જતી હોવાથી વ્યક્તિ દીઠ ખુલ્લી જગ્યાનું પ્રમાણ એકદમ ઘટી જાય છે. આ કારણે જે કંઈ થોડી ખુલ્લી જગ્યા હોય તેના ઉપર બહુ જ દબાણ આવી જાય છે અને રહેવાસીઓના જીવનની ગુણવતા સરવાળે કથળે છે. લંડનના એક માનવ વસાહત નિષ્ણાત ડેવિડ મોર્ગન તો સ્પષ્ટ કહે છે કે, "લંડનમાં સમાજ સાથે રહેવાના આગ્રહી પરિવારોમાં ગગનચુંબી ઈમારતો જરાય લોકપ્રિય નથી. લંડન શહેરના સમજદાર શ્રીમંતો તો ઓછી ઊંચાઈ અને વધુ ખુલ્લી જગ્યા વચ્ચે જ રહેવાનું વધુ પસંદ કરે છે. "
મુંબઈના શ્રીમંતો પણ કે જિંદગી જીવવાનો ખરો આનંદ તો નાના મકાનોમાં અને માટી ખુલ્લી જગ્યામાં જ આવે છે; પરંતુ મુંબઈમાં જમીનની તંગીને કારણે તવો લાચાર છે. આ કારણે જ તેઓ ભલે રહેતા હોય ગગનચુંબી મકાનમાં પણ સેકન્ડ હાઉસ તરીકે લોનાવલામાં કે દેવલાલીમાં બંગલો બનાવી રાખે છે. જોકે તેમના નસીબમાં રહેવાનું લખાયેલું નથી હોતું એ એક અલગ બાબત છે. માનવ વસાહતોના નિષ્ણાતો એમ કહે છે કે, ભારતનાં ગામડાંઓ અને નાના શહેરોમાં જે પ્રકારનાં મકાનો તૈયાર કરવામાં આવે છે. તે માનવ આરોગ્ય અને સામાજિક સંબંધો માટે સૌથી વધુ ફાયદાલાયક છે. શું છે આ મકાન બાંધકામની ખૂબીઓ ?
મુંબઈ શહેરના શ્રીમંતો કરોડો રૂપિયા ખર્ચીને જે તાજી હવા શ્વાસમાં નથી લઈ શકતા તે તાજી હવા ગામડાંના ગરીબોને મફતમાં મળી જાય છે.
ગાંમડાંના ગરીબો જે મકાનો બનાવતા હોય છે તે ગારમાટીનાં પાકાં મકાનો હોય છે, જેમાં માચીનાં નળિયાનું જ છાપરું હોય છે. માટીનાં મકાનો સસ્તા હોય છે, ટકાઉ હોય છે. અને આરોગ્ય માટે પણ ઉપકારક હોય છે. આ મકાનોમાં બળબળતાં ઉનાળામાં ટાઢકનો અનુભવ થાય છે. અને કડકડતી ઠંડીમાં હૂંફાળું વાતાવરણ પ્રાપ્ત થાય છે. આ મકાનોનાં છાપરાં વાંસની વળીઓ ઉપર માટીનાં નળિયાં નાંખીને બનાવેલા હોય છે, જેમાંથી હવાની અવરજવર થઈ શકે છે. વળી છાપરું માટીનાં નળિયાનું બનેલું હોવાથી તેમાં તાપ લાગતો નથી. ગામડાંના આ હવાદાર મકાનોની સરખામણીએ શહેરના લોકો જે મકાનો બનાવે છે, તેમાં સિમેન્ટ અને લોખંડ જેવા ગરમીના સુવાહક પદાર્થો વાપરવામાં આવે છે. આ મકાનો ઉનાળામાં ભઠ્ઠી જેવાં બની જાય છે અને શિયાળામાં ઠંડા હિમ જેવાં બની જાય છે.
માનવ વસાહતના નિષ્ણાતો મુંબઈ શહેરના ઝૂંપડાંવાસીઓને ઝૂંપડાંની બદલીમાં ગગનચુંબી મકાનોમાં ફ્લેટ આપવાની યોજનાનો વિરોઘ કરી રહ્યા છે
ગામડાંના ગરીબો હોય કે શ્રીમંતો, તેઓ પોતાનાં મકાનો એવી રીતે જ બાંધે છે કે તેમાં પુષ્કળ ખુલ્લી જગ્યા મળી રહે અને સામાજિક સંબંધો પણ જળવાઈ રહે. આ મકાનમાં પ્રવેશ કરતાં જ ફળિયું આવે છે, જેમાં બાળકો રમી શકે છે. સ્ત્રીઓ વાતો કરી શકે છે અને સાંજ પડ્યે ફળિયામાં ખાટલા ઢાળી બેસી શકાય છે. ઉનાળામાં તો ઘરના બધા જ સભ્યો ખાટલા ઢાળી રાત્રે ફળિયામાં જ સુઈ જતાં હોય છે. ફળિયામાંથી ઘરમાં પ્રવેશ કરવામાં આવે એટલે વચ્ચેના ભાગમાં ચોક આવે છે, જે ઘરનાં ફેફસાં જેવો હોય છે. આ ચોકમાંથી તાજી હવા અંદર આવે છે અને સ્નાન વગેરેની સગવડ પણ તેમાં કરી શકાય છે.
ગામડાંમાં પાછળના ભાગમાં વાડાના રૂપમાં ખુલ્લી જગ્યા હોય છે, જેમાં પાળેલા પશુઓ બાંધી શકાય છે અને શાકભાજી પણ ઉગાડી શકાય છે. ખુલ્લી જગ્યાના આ વરદાનને કારણે ગામડાંના લોકો તાજા શાકભાજી અને શુદ્ધ ઘી-દૂધનો લાભ લઈ શકે છે. ગામડાંના ગરીબો ગારમાટીનાં મકાનો બાંધે છે તો શ્રીમંતો ઈંટ-ચૂનાના કે પથ્થરના મકાનોમાં રહે છે, પણ ખુલ્લી જગ્યાની બાબતમાં બંને એકસરખા જ નસીબદાર છે. ગામડાંનો ગરીબમાં ગરીબ માણસ ખુલ્લી જગ્યાનો વૈભવ માણી શકે છે, તે વૈભવ શહેરના ગગનચુંબી મકાનોમાં રહેતા શ્રીમંતોના નસીબમાં નથી. આ કારણે જ માનવ વસાહતના નિષ્ણાતો સ્કાયસ્ક્રેપરમાં રહેતા શ્રીમંતોના જીવનમાં ગુણવતાનો અભાવ જુએ છે.
દુનિયાભરના રહેવાલાયક કે ન રહેવાલાયક 130 શહેરોનો એક સર્વે લંડનના ઈકોનોમિક ઈન્ટીલિજન્સ યુનિટ તરફથી તાજતરમાં કરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ મુંબઈ સાતમાં નંબરનું અને દિલ્હી દસમાં નંબરનું રહેવા માટેનું સૌથી ખરાબ શહેર છે. આ સર્વે મુજબ ઓસ્ટ્રિયાનું પાટનગર વિયેના સૌથી શ્રેષ્ઠ રહેવાલાયક શહેર છે. તેનાં પછી બીજા ક્રમાંકે વાનકુંવર અને ત્રીજા નંબરે મેલર્બોન બિરાજે છે. આ સર્વે મુજબ ન રહેવાલાયક શહેરોમાં મુંબઈ અને દિલ્હીની સાથે સાથે કરાચી અને ઢાકાનો પણ સમાવેશ થાય છે. દુનિયાના સૌથી ખરાબ શહેર તરીકે પપુઆ ન્યુ ગિનીની રાજધાની મોરેસ્બીનું નામ આવે છે.
લંડનના ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટે જે સર્વે કરાવ્યો છે, તેનું પ્રયોજન મલ્ટીનેશનલ કંપનીઓ વિશ્વના વિવિધ શહેરોમાં પોતાની શાખાઓ સ્થાપવા માંગતી હોય અને કર્મચારીઓને વસાવવા માંગતી હોય તો તેનું આયોજન કરવા માટે છે. આ સર્વેના લેખક જોન કોપસ્ટેક કહે છે કે, મુંબઈ અને દિલ્હીના નાગરિકોના જીવનમાં જે હાડામારીઓ છે, તેને ધ્યાનમાં લઈ અમે તેમને આટલું પાછળ સ્થાન આપ્યું છે. મુંબઈનું સ્થાન જાકાર્તા, ડકાર, કોલંબિયા, હેનોઈ, તહેરાન અને નૈરોબી પછી આવે છે.
મુંબઈના પોશ વિસ્તારમાં રહેતા નાગરિકોની ક્વોલિટી ઓફ લાઈફ પણ બહુ ઈર્ષા કરવા જેવી નથી
રિલાયન્સના મુકેશ અંબાણી ભારતના સૌથી વધુ શ્રીમંત ગણાય છે. તેમણે અલ્ટામાઉન્ટ રોડ ઉપર 100 કરોડ રૂપિયાના ખર્ચે પોતાનો બંગલો બનાવ્યો છે. આ 100 કરોડનો ખર્ચ કર્યા પછી પણ તેમણે પ્રદૂષિત હવામાં જ જીવવાનું રહેશે. ગામડાંના લોકોને જે તાજી હવા મફતમાં મળે છે, તેનો લાભ શ્રીમંતો કરોડો રૂપિયા ખર્ચીને પણ મેળવી શકતા નથી. લંડનના ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ શહેરી જીવનની હાડમારીઓ વિશે જે સર્વે તૈયાર કર્યો તેમાં સલામતીથી લઈ ટ્રાફિકની ગીચતા, પર્યાવરણ, પ્રદૂષણ વગેરે પાસાંઓનો વિચાર પણ કરવામાં આવે છે. આ સર્વે મુજબ જો કોઈ પશ્ચિમી નાગરિક ભારતમાં વસવાટ કરવા માંગતા હોય તો તેણે મુંબઈમાં 62 ટકા અને દિલ્હીમાં 57 ટકા જેટલી હાડમારીનો અનુભવ કરવો પડે છે. કોઈ પણ મલ્ટીનેશનલ કંપની દુનિયાના કોઈ પણ શહેરમાં પોતાની શાખા ખોલતા અગાઉ આ સર્વેને ખૂબ જ મહત્વ આપતી હોવાથી તેની ગંભીરતા ખૂબ જ વધી જાય છે. વિદેશી કંપનીઓ વસવાટ કરવા માટે જેટલી તરતપાસ કરાવે છે, તેના દસમાં ભાગની ચીવટ પણ આપણા નાગરિકો રાખતા નથી. તેમને તો જ્યાં પૈસા છે ત્યાં સ્વર્ગ દેખાય છે.
આ સર્વે મુજબ જો કોઈ પશ્ચિમી નાગરિક ભારતમાં વસવાટ કરવા માંગતો હોય તો તેણે મુંબઈમાં 62 ટકા અને દિલ્હીમાં 57 ટકા જેટલી હાડમારીનો અનુભવ કરવો પડે છે
એક જમાનામાં મુંબઈ શહેરમાં પણ વાડીઓ અને ચાલીઓનું કલ્ચર વિદ્યમાન હતું, જેમાં રહેનારાઓને પુષ્કળ ખુલ્લી જગ્યા મળી રહેતી અને સામાજિક પ્રતિક્રિયાઓને પણ પુષ્કળ અવકાશ રહેતો. હવે તે કલ્ચર પણ નામશેષ થતું જાય છે. ગુજરાતનાં કેટલાંક નાના શહેરોમાં કે ગામડાંઓમાં બંગલો વેચીને લોકો જ્યારે મુંબઈની ડબલ રૂમમાં વસવાટ કરવા આવી જાય છે, ત્યારે તો ભારે અચરજ થાય છે. સ્વતંત્ર અને સ્વચ્છ જીવનનો આનંદ ગુમાવી લોકો શા માટે આ મહાનગરની ગીચતા વધારવા આવી જાય છે એ એક સ્વતંત્ર સંશોધનનો વિષય છે. મુંબઈના શ્રીમંતો તેઓ જે જીવન જીવી રહ્યા છે તે શ્રેષ્ઠ ક્વોલિટીનું જીવન છે, તેવા ભ્રમમાંથી બહાર આવે તો પણ ઘણું છે.