Monday, August 10, 2009

સિવિલનો પોસ્ટમોર્ટમ રૂમ એટલે જાણે હોરર ફિલ્મનો શૂટિંગ સેટ..!

By ENN,
અમદાવાદ,
એશિયાની સૌથી મોટી હોસ્પિટલનું બિરૂદ ધરાવતી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની હાલત યોગ્ય જાળવણીના અભાવે એટલી તો બિહામણી બની ગઈ છે કે અહીંના તીવ્ર બદબૂભર્યા માહોલમાં ભયાનક અને ત્રાસદાયક દ્દશ્યોને જોતા ભલભલાનું ચિત્ત ભ્રમિત થઈ જાય તેવી સ્થિતિ છે. અહીં મૃત્યુ પછી માનવીના મૃતદેહનો પણ જાણે મલાજો જળવાતો નથી.
મોર્ગ રૂમમાં કુલિંગ સિસ્ટમ કાયમ ખાડે ગયેલી અવસ્થામાં હોય છે અને ક્યારેક તો એક જ બોક્સમાં ચાર-ચાર લાશોનેએક બીજા પર ખડકીને સાચવણી કરવી પડે છે. આધુનિક સારવારનો દાવો કરતી સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમની એકવાર મુલાકાત લેવા જેવી છે. કેટલાક લોકો આ રૂમને હોરર ફિલ્મના શુટિંગના વાસ્તવિક સેટ સમાન કહે છે. તેની દશા જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે પોસ્ટ મોર્ટમ રૂમનું જ પોસ્ટ મોર્ટમ હવે જરૂરી બની ગયું છે.
અમદાવાદમાં મળી આવતી બિનવારસી લાશોને જાળવી રાખવા માટેના કોલ્ડરૂમની કુલિંગ સિસ્ટમ બંધ છે. સમગ્ર પોસ્ટ મોર્ટમ રૂમ સેન્ટ્રલી એરકન્ડીશન્ડ હોવા છતાં પણ છેલ્લા ઘણા સમયથી એસી પ્લાન્ટ બંધ છે. ઘણીવાર તો કોલ્ડરૂમમાં એક-એક બોક્સમાં ત્રણ-ચાર લાશો સાથે રાખવી પડે છે. આ રૂમમાં 48 મૃતદેહો સાચવી શકાય તેવું આયોજન છે. ચાર વિભાગોમાં વહેંચાયેલા રૂમમાં જો એ સેકશનનું કુલિંગ બંધ થઈ જાય તો તે સેકશનમાંની 12 લાશોની કેવી રીતે જાળવણી કરવી તેનો પ્રશ્ન સર્જાય છે.
કેમ કે કોલ્ડરૂમમાં શૂન્ય ડિગ્રી તાપમાન રાખવું જરૂરી હોય છે. આથી બંધ પડેલા સેકશનમાંની લાશો ચાલુ સેકશનના બોક્સમાં ખસેડવી પડે છે. આ મુદ્દે સિવિલના જ ઈલેક્ટ્રિક વિભાગને વારંવાર જાણ કરી હોવા છતાં પણ કોઈ પરિણામ નથી. કુલિંગ સિસ્ટમ અને એસી તો ઠીક, પંખા પણ ચાલતા નથી. પૂરતી ટ્યુબલાઈટો હોવા છતાં ઘણી બંધ હાલતમાં હોય છે.
પોસ્ટ મોર્ટમ રૂમ એક અધ્યાયન રૂમ હોય છે. તેમાં મૃત્યુ પામનારી વ્યક્તિના મરણનું કારણ જાણવા માટે તબીબોએ અભ્યાસ કરવાનો હોય છે. આ જગ્યા બેક્ટેરિયા અને વાયરસ રહિત હોવી જોઈએ. પણ અહીં તો તબીબોને સખત દુર્ગંધભર્યા વાતાવરણમાં કામ કરવું પડે છે.
વળી, પોસ્ટમોર્ટમ માટે ઉપયોગમં લેવાતા વર્ષો જૂના સાધનો હજુ બદલાયા નથી. ખૂન કે અન્ય ઈન્વેસ્ટીગેશનના કેસમાં લાશમાંથી લેવાતા અંગોને મૂકવા માટે પ્લાસ્ટીકની બકેટ સુદ્ધાં ઉપલબ્ધ હોતી નથી. પરિણામે મરનાર વ્યક્તિના સ્વજનોએ તે પૂરી પાડવી પડે છે.

No comments:

Post a Comment