ગુજરાતના ગુલાબની મહેક જાપાનમાં પ્રસરી...!
By ENN,
અમદાવાદ,
જાપાનના બજારો ગુજરાતથી માતબર જથ્થામાં આવી રહેલા ફુલોથી ઉભરાઈ રહ્યાં છે. બીજી તરફ સુરતના વ્યારા તાલુકાના વધુને વધુ ખેડૂતો પરંપરાગત ખેતીના વિકલ્પરૂપે
ફ્લોરીકલ્ચર (ફુલોની ખેતી) ભણી વળી રહ્યાં છે. સુરતમાં આશરે એકસો હેક્ટરમાં ઉગાડાયેલા ગુલાબના કુલ ફાલમાંથી આશરે 70 ટકાની જાપાન નિકાસ કરી દેવામાં આવે છે.
ગયે વર્ષે 35 લાખ ગુલાબની નિકાસ કરવામાં આવી હતી એમ રાજ્યના હોર્ટીકલ્ચર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું. સુરતમાંના ઉચ્ચ તકનિકી ગ્રીન હાઉસ ફાર્મિંગ હેઠળ
ફ્લોરીકલ્ચર માટે વધુને વધુ એકર ફાળવાતાં સુરતમાંથી ગુલાબની નિકાસનું પ્રમાણ ઊંચે જઈ રહ્યું છે. પાંચ વર્ષ પહેલાં સાડા ચાલીસ હેક્ટરમાં ગુલાબની ખેતી થતી તે વધીને
હવે એકસો હેક્ટરમાં થવા લાગી છે. એમ રાજ્ય હોર્ટીકલ્ચર વિભાગના સંયુક્ત ડિરેક્ટર પી.એમ. વઘાસિયાએ જણાવ્યું હતું.ખેડૂતો વિવિધ વેરાયટીઓના ગુલાબોની નિકાસ કરવા
લાગ્યા છે. બે હેક્ટરમાં ગુલાબ ઉગાડનારાઓ વિસ્તરણ કરી દસ હેક્ટરમાં ઉગાડવા લાગ્યા છે તો વળી નવા નવા ખેડૂતો ય આમાં ઝંપલાવી રહ્યાં છે એમ નાયબ ડિરેક્ટર ઝેડ.
પટેલે જણાવ્યું હતું.
સરકારે 2007માં અઢાર જેટલા એમઓયુ કર્યા હોઈ રાજ્યમાંથી ફ્લોરીકલ્ચરની નિકાસ વધવા સંભવ છે. હાઈટેક ગ્રીન હાઉસ ફાર્મિંગને અપાયેલા પ્રોત્સાહન બળવત્તર થતાં
ફૂલોનો બિઝનેસ બહોળો થતો ચાલ્યો છે.
ગુલાબની નિકાસ ઈટાલિ, હોલેન્ડ, અને જર્મની જેવા અન્ય વિદેશોમાં થઈ રહ્યો છે. એમ જણાવતાં સુરત સ્થિત ખેડૂત ધર્મેશ પટેલે ઉમેર્યું હતું કે 60 જેટલા ખેડૂતો ડચ રોઝ,
મેરીગોલ્ડ, લિલી, ગ્લેડીઓલસ, કાર્નેશન્સ અને હાઈબ્રિડ તથા ટ્યુબ રોઝ વ. ગ્રીન હાઉસ વાવેતરની ટેકનિકથી ઉગાડે છે. કેટલાક ખેડૂતો તો દર મહિને ડઝનેક વેરાયટીના એક
લાખ ગુલાબની નિકાસ કરે છે.
No comments:
Post a Comment