Monday, August 10, 2009

ક્રુઝ ટુરિઝમ તરફ રાજ્ય સરકારની નજર
ગુજરાતમાં ક્રુઝ સર્વિસ લાવવા પ્રયાસ
લક્ષદ્વિપથી મુંબઈ સુધીની સફરમાં ગુજરાતને આવરી લેવા પર ભાર

By ENN,
અમદાવાદ,
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. આવા પ્રતિબંધની તરફેણ અને વિરોધ કરનારા ઘણાં છે. એ વાત અલગ છે કે દારૂબંધી હોવા છતાં પાછલા બારણે અહીં બેફામ દારૂ ઢીંચાતો હોય,
પરંતુ હવે એક રસ્તો એવો તૈયાર થઈ રહ્યો છે જે દ્વારા પીવાની સત્તાવાર છૂટ મળશે.
એક અહેવાલ અનુસાર ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયા કિનારા અંગે રાજ્ય સરકાર ક્રુઝ સર્વિસ સાથે વાટાઘાટો કરી રહી છે. આ એક એવી યોજના છે જે હેઠળ વ્યક્તિ
દારૂબંધીવાળા ગુજરાતમાં કદાચ પી શકશે.
વાયબ્રન્ટ ગુજરાત જાન્યુઆરી 2009માં ગુજરાત સરકાર પોતાના 1600 કિ.મી. લાંબા દરિયા કિનારાને ધ્યાને રાખી ક્રુઝ ટુરિઝમના વિચારને પ્રસ્તુત કરશે.
સ્ટાર ક્રુઝ સાથેની ગુજરાત સરકારની વાટાઘાટો અગ્રીમ તબક્કામાં પહોંચી ચૂકી છે. ગુજરાતની ઈચ્છા છે કે સ્ટાર ક્રુઝ કે જે લક્ષદ્વિપ અને મુંબઈ વચ્ચે પેસેન્જર ક્રુઝ સર્વિસ ચલાવે
છે. તે પોતાની સેવા હેઠળ ગુજરાતને પણ આવરી લે એટલે કે ગુજરાતના એક નિર્ધારિત પોઈન્ટ સુધી સ્ટાર ક્રુઝ પોતાની સેવા લંબાવે, એક ઉચ્ચ સરકારી સૂત્રોના જણાવ્યા
અનુસાર સ્ટાર ક્રુઝ માટે અમે સ્થળને શોધી રહ્યાં છીએ.
આ મામલે હવે એક ચર્ચા જાગી છે કે દારૂબંધીવાળા ગુજરાતમાં જો સ્ટાર ક્રુઝ આવશે તો પીવા ઉપર પ્રતિબંધ મૂકતા કાયદાનું શું? કારણ કે ક્રુઝ પર તો દારૂની રેલમછેલ હોય છે.
ગુજરાતના ચોક્કસ સ્થળે આવ્યા બાદ સ્ટાર ક્રુઝના મુસાફરો દારૂનું સેવન કરતાં હોય તો તે માન્ય ગણાશે કે નહીં? સત્તાવાર સૂત્રો આવા સંવેદનશીલ મુદ્દે કંઈ પણ બોલવાનો
ઈન્કાર કરે છે. પરંતુ એવું જરૂર કહે છે કે દારૂબંધીનો ગુજરાતનો કાયદો દરિયા કિનારાથી માત્ર 12 નોટીકલ માઈલ સુધી લાગુ પડે છે.
બીજી તરફ ભારત સરકારે એક ડ્રાફ્ટ ક્રુઝ ટર્મિનલ પોલીસી ઘડી છે. જે હેઠળ આ સેવા વિકસિત કરનારને રૂ. 25 કરોડની સબસીડી ઓફર કરાય છે. ક્રુઝ સેવાને આકર્ષવા માટે
ગુજરાત સરકાર દ્વારા ત્રણ સ્થળો ધ્યાને લેવાયા છે. જેમાં અમરેલીના સરકેશ્વર, ઓખા નજીકનું શિવરાજપૂરા અને સૂરતનું સુવાલી સામેલ છે. આ ત્રણેય સ્થળો બિચ ધરાવે છે.
ગુજરાત પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ કંપની લિમિટેડ કે જે રાજ્યકૃત ગુજરાત મેરીટાઈમ બોર્ડની એક પેટા કંપની છે તેના નેજાહેઠળ ટુરિઝમ ડેવલોપમેન્ટ બોર્ડને યોજના
ઘડી કાઢવા નિર્દેશ અપાયા છે.
જેમાં બીચ ટુરીઝમ તરતી હોટેલો અને બંદરો વિકાસ કરવા વગેરે જેવી બાબતો સામેલ છે.
ક્રુઝ 12 નોટીકલ માઈલથી આગળ ચાલ્યું જાય પછી શું પીવાની છૂટ અપાશે? તે અંગે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે બોટીંગ માટેની સેવાઓ અંગેની બાબતો ધ્યાને લેવાઈ રહી
છે.
ગુજરાતના દરિયા કિનારે ટુરીઝમના વિકાસ માટે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના પ્રયાસોને જીપીઆઈડીસીએલ જરૂરી ટેકો આપશે.
ક્રુઝ સેવા શરૂ થાય તે પહેલાં એક મત એવો ઉઠ્યો છે કે ગુજરાતે પોતાની રીતે વળગી રહેવું જોઈએ.

No comments:

Post a Comment