Thursday, August 27, 2009

ગુજરાતનાં નાસ્તા બજાર ઉપર ચાઈનીઝ ભેળનું આક્રમણ

By ENN,
અમદાવાદ,
શહેરના વધતા જતાં વ્યાપની સાથોસાથ ઘરથી નોકરી ધંધાના સ્થળો દૂર દૂર થતાં જતાં હોય. ''ઓન રોડ ઈટીંગ'' નું ચલણ વધ્યું છે. આજથી ત્રણેક વર્ષ પહેલાં બપોરના સમયે તાજો નાસ્તો કે ગરમાગરમ કટકબટક મળવું મુશ્કેલ હતું. આજે સ્થિતિ એ છે કે, વડાંપાઉ, સેન્ડવીંચ, સમોસા, કચોરી, દાબેલી, બર્ગર, હોટડોગ, વેજીટેબલ સેન્ડવીચ સહિતના નાસ્તા ભરબપોરે પણ અનેક વિસ્તારોમાં મળી રહે છે. દુકાનો કે નાના રેસ્ટોરેન્ટ કરતાં આ પ્રકારનું રસ્તા પરના ઠેલા ઉપર જ મળવા લાગ્યું છે. વેજીટેબલ સેન્ડવીચ, હોટડોગ, બર્ગર બનાવવા નાના ગલ્લાં જેવી ટ્રોલી ઉપર બનાવેલી કેબીન જ કાફી છે. આ રીતે જ વડાંપાઉ શહેરમાં પગપેશારો કરી ચુક્યા છે. અહીંની ફેવરીટ દાબેલી અને રગડા-પેટીસની લારીઓ સામે વડાંપાઉનો ધંધો હરીફાઈ કરી રહ્યો છે. જો કે મુંબઈની સુકી ભેળ હજુ એટલી આકર્ષી શકી નથી. મુંબઈની સુકી ભેળ ભલે વડાંપાઉ જેટલી હિટ ન થઈ હોય. પરંતુ મુંબઈમાં વડાંપાઉના ધંધાની વાટ લગાવી રહેલી ચાઈનીઝ ભેળ આક્રમણ કરવા તૈયાર જ છે.

ફ્રાઈડ નુડલ્સમાં કોબી, ગાજર, કાંદા, લીલાકાંદા અને બીટના ટુકડા ઉમેરી હોઝવાન, સોયા અને ચીલી સોસનો ચટાકેદાર સ્વાદ રેડવામાં આવે છે. ઉપર થી કોથમીર ભભરાવીને તૈયાર થતી ચાઈનીઝ ભેળ રૂ।. 8 થી રૂ।.12 સુધીમાં પેપર ડીશમાં પીરસવામાં આવે છે. ફોરેનઅમેરીકન મકાઈ અને તેની વિવિધ વાનગીઓનો ચસ્કો લગાડનાર હોય કે પછી બ્રેડને આંમલીના પાણીમાં ઝબોળી અંદર સમોસું અને બે ચટણી તથા સેવ દબાવી અલગ પ્રકારના ટેસ્ટ સાથેની 'સમોસા બ્રેડ' વેચતા હોય. બપોરના સમયે ભાવે તેવું પીરસવામાં તેઓ સતત તૈયાર હોય છે.

જાણકારોના કહેવા મુજબ ચાઈનીઝ ભેળ આરોગ્યની ર્દષ્ટીએ હાઈજેનિક છે. કારણ કે, આ ભેળ બનાવવા માટે મોટાભાગે સુકા ખાદ્યપ્રદાર્થો જ ઉપયોગમાં લેવાય છે. ચોમાસામાં દાબેલી હોય કે વડાપાઉં પરંતુ તેની સાથે પીરસાતી ચટણીમાં પાણી નાખવામાં આવતું હોય તે ઘણી વખત આરોગ્ય માટે જોખમી બની જાય છે. રસ્તા ઉપર નાની જગ્યામાં જ ઉભા રહીને ધંધો થઈ શકતો હોય અને તેમાં રાધવું પડતું ન હોય ખાદ્યપ્રદાર્થ વેચતા ફેરિયાઓ માટે આ ચાઈનીઝ ભેળનો ધંધો ફેવરિટ બની ગયો હોય મુંબઈમાં તો વડાપાઉના ધંધાર્થીઓ 'વટલાઈ' ને ચાઈનીઝ ભેળ વેંચતા થઈ ગયાં છે. શાળા-કોલેજે આવતાં-જતાં વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ વગેરેમાં વડાપાઉં જૂની પેઢીનું ખાણું થઈ ગયા હોય તેઓ હવે સ્ટાઈલીશ અને જરા હટકે ખાવા માટે ચાઈનીઝ ભેળ તરફ વળ્યા છે નહીં દોટ માંડી ચૂક્યાં છે. રમકડાં, ઈલેક્ટ્રોનીક્સ, ઈલેક્ટ્રીક, સ્ટેશનરી જેવી મોટાભાગ બજારોમાં ચાઈનાની વસ્તુનું આક્રમણ જોવા મળે છે ત્યારે સ્વાદેન્દ્રીય ઉપર પણ ચાઈનીઝ વાનગીઓ કબજો જમાવી રહી છે. ચાઈનીઝ વાનગીઓ પીરસતા અનેક ધંધાર્થીઓ 'ઓન રોડ' ધંધો કરે છે. હવે ફેરિયાઓ ચાઈનીઝ ભેળ પીરસતા થઈ જાય તેવાં દિવસો દૂર નથી. ત્યારે ચાઈનીઝ ભેળનું આક્રમણ હવે સામાન્ય ભેળની સાથોસાથ દાબેલી અને વડાપાઉંને પણ હડપ કરી જાય તેવું બની શકે.

No comments:

Post a Comment