Monday, August 10, 2009

રાજકોટની ગુજરી બજારોઃજૂની અને એન્ટીક વસ્તુઓ ખરીદવા માટે ઉત્તમ સ્થળ

By ENN,
રાજકોટ,
સસ્તાભાવમાં સારૂં મળી રહે તેવી સુવિધા આપતી ગુજરી બજારો ઘણીવાર આશિર્વાદરૂપ બની રહે છે. જો કે આવી બજારોમાંથી યોગ્ય વસ્તુની પરખ કરવાની આવડત પણ એટલી જ જરૂરી બની રહે છે. કોઈ મૂલ્યવાન વસ્તુ પણ અહીં પાણીના ભાવે મળી રહે છે તો ક્યારેક બજારમાં ક્યાંય ન જોવા મળે તેવી અતિ પુરાણી અને એન્ટીક ગણાતી વસ્તુઓ પણ ગુજરી બજારોમાંથી મળી રહે છે.
દિવાળી પૂર્વેના દિવસોમાં ખાસ કરીને ગુજરી બજારોમાં ચિક્કાર સામગ્રી ઠલવાતી હોય છે. ત્યારે રાજકોટમાં વિવિધ માર્ગો ઉપર વિવિધ આઈટમોની ભરાતી ગુજરી બજારોની વિસ્તૃત વિગતો અહીં માણીએ.
શહેરના ભાવનગર રોડ ઉપર દર રવિવારે બજાર ભરાય છે. આ બજાર રવિવારી બજાર તરીકે ઓળખાય છે.
અહીં નાત-જાત, નાના મોટા કોઈપણ ભેદભાવ વગર સોયથી માંડીને દરેક જૂની વસ્તુનું વેચાણ કરવામાં આવે છે. અહીં વસ્તુઓની ખરીદી કરવા સાઈકલવાળાથી માંડીને ગાડીઓવાળા લોકો આવે છે. કોઈપણ વસ્તુ સામાન્ય વર્ગને પોસાય તેવી કિંમતે મળી જાય છે. સામાન્ય વર્ગથી માંડીને ઉચ્ચ કક્ષાનો વર્ગ દર રવિવારે ખરીદી કરવા આવે છે.
રવિવાર પડે એટલે આ રોડનો નકશો જ કંઈક અલગ જોવા મળે છે. વહેલી સવારથી આ માર્ગ ઉપર પોતપોતાનો સામાન લઈ લોકો વસ્તુ વહેંચવા પહોંચી જાય છે. આ માર્ગ ઉપર વ્હેલી સવારથી જ ધમધમાટ જોવા મળે છે. જગ્યા રાખી લેવા ફેરિયાઓ અને ધંધાર્થીઓ દ્વારા વહેલી સવારથી જ કે આગલી રાત્રીથી જ આ જગ્યા ઉપર કબજો જમાવી લેતાં હોય છે.
ભાવનગર રોડ ઉપર દર રવિવારે કપડાં, વાસણ, કબાટ, ટેપ, રેડિયો, ટી.વી. સાયકલ-સ્કુટર,ના સ્પેરપાર્ટસ, ટાયર ટ્યુબ સહિતની પુરાણી વસ્તુઓનું વેચાણ થાય છે. આ વસ્તુઓની ખરીદી કરવા માટે લોકો અહીં આવે છે. ખરીદનાર આ વસ્તુ બજારની કિંમત કરતાં ઘણાં જ સસ્તાભાવે મળી જાય છે. જો કે આ વસ્તુઓ જૂની હોય છે.
આવી કડકડતી મોંઘવારીમાં મધ્યમવર્ગ તેમજ નીચલા વર્ગના લોકો ઊંચી કિંમતની વસ્તુઓ ખરીદ કરવાની શક્તિ ધરાવતાં ન હોય જેથી વસ્તુઓની ખરીદી કરે છે. પરંતુ અમુક જૂની વસ્તુઓ ઓછી કિંમતે અને ટકાઉ મળી રહે છે. ગ્રાહકો પોતે વસ્તુ ખરીદ કરવાની સમજ હોવી જોઈએ.
જ્યારે હવે તો શહેરના રૈયા રોડ ઉપરના ભરચક એરિયામાં આવી બજાર ભરાય છે. અહી દરરોજ બજાર ભરાય છે. જ્યાં તમોને ટેપ, કોમ્પ્યુટરના સાધનો, ટાયર-ટ્યુબ ઘર સજાવટની કોઈપણ વસ્તુઓ વગેરે સેકન્ડહેન્ડની વસ્તુઓ મળી જાય છે.
રૈયા રોડ ઉપરના મૂઢી ચોક વિસ્તારમાં અમુક લોકો તો એવા છે કે જે બપોરના સમયે પોતાના ઘરે જમવા જાય ત્યારે અહીં ભરાતી બજારમાં ચક્કર મારી જાય છે અને પોતાને ગમતી તથા પોતાના ખિસ્સાને પરવડે તેવી વસ્તુઓ ખરીદતા જાય છે.
આ રોડ ઉપર પાથરણું રાખી અને વિવિધ વસ્તુઓ વેંચતો એક ફેરિયો જણાવે છે કે અહી અમે રમતા-રમતાં દરરોજના 400થી 500 રૂ. રળી લઈએ છીએ. કોઈવાર સારી એવી વસ્તુ વેચાણ માટે આવી જાય તો વધારે રૂપિયા પણ મળી જતાં હોય છે. જેવી રીતે ભાવનગર રોડ, મઢી ચોકમાં બજારો ભરાય છે. તેવી જ રીતે દર રવિવારે જ રામનાથપરા સ્મશાનથી માંડીને મરચાની પીઠ સુધીના વિસ્તારમાં કપડાની બજાર ભરાય છે. અહીં દર રવિવારે કપડાના શોખીનો ઉમટી પડે છે. રૂ.20થી માંડીને કોઈપણ કિંમત સુધીના કપડાં મળી જાય છે.
અહીં કપડાની ખરીદી કરવા નીચલા વર્ગથી માંડીને ઉચ્ચકક્ષાના લોકો જોવા મળતાં હોય છે. જેમાં ખાસ કરીને યુવા વર્ગ વધુ દેખાય છે. આ ઉપરાંત લોખંડની કોઈપણ જૂની વસ્તુઓની ખરીદી કરવી હોય તો દર રવિવારે પહોંચી જાવ જિલ્લા ગાર્ડનમાં જિલ્લા ગાર્ડનથી શરૂ થઈને 80 ફૂટ રોડ સુધીના માર્ગમાં લોખંડની બજાર ભરાય છે. અહીં સ્કૂટરની વ્હીલપ્લેટથી માંડીને કોઈપણ લોખંડની વસ્તુઓ ઓછી કિંમતે મળી જાય છે. એજ રીતે રાજકોટમાં શનિવારી બજાર પણ બહુ જાણીતી છે. સાધુ વાસવાણી માર્ગથી પંચાયતનગર ચોક સુધી આ બજાર માત્ર શનિવારે જ ભરાય છે. કેટલાક જૂનવાણી માલ જે નવી બજારમાં ક્યારેય ન મળે તે ગુજરીમાંથી મળી જતો હોય છે. સસ્તાભાવમાં અને સારી વસ્તુઓ મળી જાય છે. ક્યારેક તો એન્ટીક પીસ પણ મળી જતાં હોય છે. આવી બજારોમાં બેસવા માટે પાથરણા અને પલંગની વ્યવસ્થા પણ હોય છે. પલંગ ઉપર માલ વેચવા આવા પલંગ ભાડેથી પણ મળતાં હોય છે. આવી બજારોમાં ખાણી-પીણીવાળાઓ પણ રોજી મેળવી લેતાં હોય છે. નાસ્તા તેમજ પુરી શાક તથા ખાવા-પીવાની આઈટમોનો થડો નાખી વેંચતા હોય છે. આમ, આવી ગુજરીબજારોને લીધે ખાણી-પીણીની વસ્તુઓનું વેચાણ કરનારને પણ રોજી રોટી મળી રહે છે.

No comments:

Post a Comment