Friday, August 28, 2009

વિશ્વના સૌથી ઓછાં ખર્ચાળ શહેરોમાં દિલ્હી-મુંબઈનો સમાવેશ
ઓસ્લો, ઝ્યુરિચ અને કોપનહેગન ટોચનાં સૌથી મોંઘાં શહેરો

By ENN,
ભારતના રાજકીય પાટનગર દિલ્હી અને ફાયનાન્સિયલ કેન્દ્ર મુંબઈ વિશ્વના સૌથી ઓછા ખર્ચાળ શહેરોમાં સ્થાન ધરાવતા હોવાનું એક સર્વેમાં જાણવા મળ્યું છે. દેશમાં અન્ન અને હાઉસિંગનો ખર્ચ વધતો જતો હોવા છતાં આ શહેરો પ્રમાણમાં સસ્તા હોવાનું જાણવા મળતાં તમામને આશ્ચર્ય થયું છે.
સ્વિસ બેંકિંગ કપની યુબીએસે કરેલાં સંશોધન મુજબ, ભારતનાં ટોચનાં શહેરો દિલ્હી અને મુંબઈ સર્વેક્ષણ કરાયેલાં વિશ્વના સૌથી મોંઘા 73 શહેરોમાં ભાવની શ્રેણીમાં તળિયેં રહ્યા હતા જ્યારે બીજી બાજુ ઓસ્લો, ઝ્યુરિચ અને કોપનહેગન જેવાં શહેરોને વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં ટોચના સ્થાને રહ્યાં છે. આ શહેરોમાં જીવન ખર્ચ આસમાને પહોંચી રહ્યો છે.
રસપ્રદ બાબત એ છે કે, ઓછા વિકસિત અર્થતંત્રોનાં કેટલાંક શહેરો ભારતના આ બન્ને શહેરો કરતાં મોંઘા જાહેર થયાં છે. ચલણમાં અવમૂલ્યન થતાં કેટલાંક ઊભરતાં બજારના શહેરોમાં ચીજવસ્તુઓના ભાવમાં ગાબડાં પડ્યા છે. મેક્સિકો સિટી, મેક્સિકો અને સીઓલમાં ભાવમાં ઘટાડો નોંધાયો છે તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
2006માં વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં બાજા ક્રમે સ્થાન ધરાવતું લંડન આ વર્ષ પાઉન્ડના મૂલ્યમાં ઘટાડાને કારણે 20મા ક્રમે ગગડી ગયું છે. સૌથી મોંઘા અને સસ્તા શહેરમાં ભાવનો ગાળો એશિયામાં સૌથી વધુ છે. વિશ્વના સૌથી મોંઘા પાંચ શહેરોમાં ટોકિયોને સ્થાન મળ્યું છે. કુઆલા લુમ્પુર, મનીલા, દિલ્હી અને મુંબઈ સૌથી ઓછાં ખર્ચાળ શહેરોમાં સ્થાન ધરાવે છે.
પગારના સંદર્ભમાં ટોકિયોના કામદારો એશિયામાં સૌથી વધુ વેતન મેળવે છે જ્યારે કુલ વેતનના સંદર્ભમાં કોપનહેગન, ઝ્યુરિચ, જીનીવા અને ન્યૂયોર્ક ટોચના ક્રમે છે. તેનાથી વિપીત દિલ્હી, મનીલા, જાકાર્તા અને મુંબઈમાં સરેરાશ કર્મચારી કરવેરા બાદ સ્વિટઝરલેન્ડના શહેરોમાં કલાકના ધોરણે કર્મચારીઓને મળતાં વેતનની સરખામણીએ પંદરમા ભાગનું વેતન મેળવે છે.
મહત્વની બાબત એ છે કે, ઝ્યુરિચ અને ન્યૂયોર્કમાં એક સરેરાશ કર્મચારી નવ કલાકની કામગીરી બાદ એપલ સ્ટોરમાંથી આઈપોડ નેનો ખરીદી શકે છે. જ્યારે તેની સામે આ વસ્તુની ખરીદી મુંબઈના સરેરાંશ કર્મચારીને ખરીદવી હોય તો તેણે સળંગ 20 દિવસ સુધી નવ કલાક કામ કરવું પડે છે.

No comments:

Post a Comment