કચ્છના વસાણાની સોડમ સરહદ પારઃ કચ્છી અડદિયા, ખજૂર પાકની વિદેશમાં બોલબાલા
by ENN,
ભૂજ,
રણપ્રદેશ કચ્છમાં શિયાળાની ઋતુએ પોતાનો પગપેસારો શરૂ કર્યો છે અને ધીમે ધીમે ઉષ્ણતામાનનો પારો નીચે ગબડી રહ્યો છે. આ શિયાળાની મોસમ દરમિયાન શરીરને ગરમાવો આપે તેવા વસાણાનું ખાસ મહત્વ છે અને તેમાં પણ અડદિયાની બોલબાલા રહે છે. કચ્છના અડદિયા લંડનમાં રૂપિયા સાત હજાર પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાય છે.
કચ્છના અડદિયાનો સ્વાદ એટલો લોકપ્રિય છે કે કચ્છથી ખાસ અડદિયાના પાર્સલો દેસ-દેશાવરોમાં વસતાં કચ્છીઓ મંગાવીને પણ વિદેશમાં આ કચ્છી અડદિયાનો સ્વાદ અચૂક માણે છે.
ભૂજ તાલુકામાં મૂળ માધાપર ગામના અને હાલે ધંધાર્થે લંડન ખાતે સ્થાયી થયેલા પ્રવિણભાઈ હાલાઈ દર વર્ષે શિયાળાની શરૂઆત થવાની સાથે જ તેઓ કચ્છના અડદિયા ખાસ પાર્સલ દ્વારા મંગાવે છે. જે માટે એક કિલોગ્રામના રૂપિયા સાત હજાર ચૂકવે છે. હાલ કચ્છમાં ફરવા આવેલા પ્રવિણભાઈએ જણાવ્યું હતું કે કચ્છના અડદિયાની માગ લંડન ખાતે વસવાટ કરતાં કચ્છીઓમાં વધારે જોવા મળે છે. કચ્છી અડદિયાના ભાવ ભલે ગમે તે હોય પણ આમ પણ ઠંડા મુલક ગણાતા બ્રિટનમાં સ્થાયી થયેલા માત્ર કચ્છી નહીં, પરંતુ ગુજરાતી પરિવારો પણ અડદિયાનો સ્વાદ શિયાળા દરમિયાન માણવાનું કદી ચૂકતાં નથી.
માધાપર ખાતે મીઠાઈની દુકાન ધરાવતાં રમેશ કારાના જણાવ્યાનુસાર હાલમાં જ્યારે શિયાળાની ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે બ્રિટનની વર્ધીને ધ્યાનમાં રાખીને, ખાસ કારીગરો રોકી, શિયાળાની મોસમના વસાણા જેવા કે, અડદિયા, ખજૂરપાક, ખજૂર રોલ, ખજૂરલાડુ, સાલમ પાક, મેથીપાક, અને ગુંદરપાક સહિતની ગરમ મીઠાઈઓ બનાવવાની શરૂઆત કરી દીધી છે.
તેઓની શિયાળાની સિઝનને લગતી મીઠાઈઓ લંડન ઉપરાંત નાઈરોબી મીઠાઈઓ લંડન ઉપરાંત નાઈરોબી, મસ્કત અને દુબઈ ખાતે વસવાટ કરતાં પટેલ પરિવારોને પાર્સલ મારફતે મોકલી રહ્યાં છે.
વિદેશ ઉપરાંત મુંબઈ કોચિન, કોલકતા, બેંગ્લોર, ચેન્નાઈ સહિતના શહેરોમાં તેમજ ગુજરાતના અન્ય મથકોમાં સ્થાયી થયેલા કચ્છીઓ પણ કચ્છના અડદિયા મંગાવતા હોય છે. કચ્છને લાગે વળગે છે. ત્યાં સુધી અડદિયા પછી, શિયાળાની સૌથી વધુ લોકપ્રિય મીઠાઈ ચીક્કી બની રહી છે. જેસલના ધામ સમા કચ્છના અંજારની ગુબીજ વખણાય છે. સૂંઠવાળી ગુબીજનો ઉપાડ શિયાળા દરમિયાન સવિશેષ રહે છે.
No comments:
Post a Comment