Thursday, August 27, 2009

પોરબંદરના ગુરુકુળમાં દીકરીઓને પણ યજ્ઞોપવીત સંસ્કાર અપાય છે

By ENN,
પોરબંદર,
સમાજમાં જ્યારે દીકરા-દીકરીને એક સમાન ગણવાની હિમાયત 21મી સદીમાં ચાલી રહી છે ત્યારે પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં છેલ્લા સાત દાયકાથી દીકરા-દીકરીને એકસમાન ગણવામાં આવે છે અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે દીકરાની જેમ જ દીકરીઓને પણ યજ્ઞોપવીત સંસ્કાર આપવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ કોઇ પણ ધર્મની દીકરી ગુરુકુળમાં હોય તો તે પણ અહીં યજ્ઞોપવીત સંસ્કાર અંગીકાર કરી સર્વધર્મ સમભાવનો સંદેશો ફેલાવે છે. એટલું જ નહીં અહીં વર્ષોથી જ્ઞાની દીકરીઓ વેદની ઋચાઓ સાથે યજ્ઞ પણ કરે છે.
પોરબંદરના શ્રેષ્ઠી સ્વર્ગસ્થ નાનજીભાઇ મહેતા દ્વારા સ્થાપિત પોરબંદર આર્યકન્યા ગુરુકુળમાં છેલ્લા 70 વર્ષથી દીકરીઓના શિક્ષણની પ્રવૃતિ થાય છે અને દર વર્ષે અહીં હજારો દીકરીઓના શિક્ષણની પ્રવૃતિ થાય છે અને દર વર્ષ અહીં હજારો દીકરીઓને ભણતરની સાથે સાથે ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે. જેના ભાગ સ્વરૂપે યજ્ઞોપવીત સંસ્કારનું અનેરું મહત્તમ સમજી દીકરા-દીકરીઓને સમાન ગણી યજ્ઞોપવિત સંસ્કાર આપી જનોઇના ત્રણ તાંતણા એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સુરક્ષા કવચ આપી સંસ્કારોથી રક્ષીત કરવામાં આવે છે.
સાથે સાથ સર્વધર્મ સમભાવને પણ મહત્વ આપી સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. અભ્યાસ કરતી કોઇપણ ધર્મની દીકરીને એક પરિવારની માફક જોવામાં આવે છે. તેઓ પણ સંસ્થાને ખૂબ જ માનથી જુએ છે. દીકરીઓ ભલે પોતે કોઇ પણ ધર્મની હોય પરંતુ રક્ષાબંધનના દિવસે યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરી સર્વધર્મ સમભાવનો ગુરુકુળનો સંદેશો દોહરાવે છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં જ્યારે ધાર્મિક કટ્ટરવાદને કારણે વાડાબંધી ઊભી કરી માનવીને માનવીથી અલગ પાડી વેરના વમળમાં ઉલઝાવી રહ્યા છે ત્યારે રણમાં મીઠી વિરડી સમાન આવી સંસ્થાઓ માનવીને સાથે જોડી પ્રેમ અને સહચર્યનો માર્ગ પ્રસસ્થ કરતી હોય તે ભારતીયતાને ગૌરવંતી બનાવે છે.

No comments:

Post a Comment