Thursday, August 20, 2009

રાજકોટમાં ધમધમતા ગેમ્સ પાર્લર કે ગેમ્બલિંગ પાર્લર?

by ENN,
રાજકોટ,
શહેરમાં એક સમયે ધમધમતો લોટરીનો જુગાર કંઈ કેટલાય પરિવારને બરબાદ કરી ગયો હતો. લોટરીના દૂષણને પોલીસ કમિશ્નર સુધિરકુમાર સિન્હાએ જે તે વખતે નેસ્તનાબૂદ કર્યું હતું. હવે રાજકોટમાં વીડિયો ગેમ્સ પાર્લરના ઓઠા તળે ધમધમતા જુગારના દૂષણે માથું ઉંચક્યું છે. ખાસ કરીને બાળકો-તરૂણોને આ દૂષણ દરબાદીના માર્ગ તરફ ધકેલી રહ્યાનું ચોરેને ચૌટે ચર્ચાઈ રહ્યું છે. ઉપરાંત યુવાનો પણ લાલચમાં આવી જુગારના રવાડે ચડી હજ્જારો રૂપિયા ગુમાવતાં હોવાનું જાણકારો કહે છે.

ચર્ચા મુજબ જે લોકો માત્ર અને માત્ર વીડિયો ગેમ્સ રમાડે છે તે લોકો તંત્ર દ્વારા કનડગત ન થાય એ માટે કાયદાનો સહારો પણ લેતાં હોય છે. અને માત્ર મનોરંજન માટે ગેમ્સ જ રમાડતાં હોય છે. પણ મોટાભાગના પાર્લરના સંચાલકો સેટીંગ કરી ગેમ્સના નામે ગેમ્બલિંગ ધમધમાવે છે. અને દરરોજ મોટા પાયે હારજીત થાય છે. શહેરના એક પણ એવા વિસ્તાર નથી કે જ્યાં વીડિયો ગેમ્સ પાર્લર ધમધમતું ન હોય તો માત્ર મનોરંજન માટે ગેમ્સ રમાડવામાં આવતી હોય તે યોગ્ય કહી શકાય. પણ મોટાભાગે ચાવવાના અને દેખાડવાના જુદા એ કહેવત મુજબ દુકાન બહાર બોર્ડ તો ગેમ્સ પાર્લરનું લગાડવામાં આવ્યું હોય છે. પણ એકંદરે રમાડાતો હોય છે જુગાર.

શહેરમાં આમ તો છાને ખૂણે ગેરકાનૂની ગણાય તેવું ઘણું બધું થતું હોય છે. ક્યારેક પોલીસને ખબર હોય છતાં આંખ આડા કાન થયા હોય છે. તો ઘણીવાર પોલીસ બેખબર પણ હોય તેવું બની શકે. જ્યારે ગેમ્સ પાર્લરની બાબતમાં પાર્લરમાં રમાડાતો જુગાર બધાને દેખાય છે પણ પોલીસને દેખાતો નથી. તેવું ખુલ્લેઆમ નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. શરૂઆતમાં ત્રણ-ચાર સ્થળોએ ગેમ્સ પાર્લરના ઓઠા તળે જુગાર રમાડવાનું શરૂ થયું હતું. પણ ધીમે ધીમે આ દૂષણ વાર્તાઓમાં આવતી રાજાની કુંવરીની જેમ રાત્રે ન વધે એટલું દિવસે ને દિવસે ન વધે એટલું રાત્રે વધવા માંડ્યું. આજે હાલત એવી છે કે શહેરની દસેય દિશાઓમાં આ દૂષણે પોતાનો પગ જમાવી લીધો છે. જાણકારોના કહેવા મુજબ કેટલાંક વીડિયો ગેમ્સ પાર્લરમાં તો કસીનો ટાઈપ જુગાર પણ રમાડવામાં આવતો હોય છે. માલિકીની દુકાન, મકાન કે અન્ય જગ્યામાં ગેમ્સ પાર્લર શરૂ કરી દેવામાં આવ્યાં છે. દુકાનનું ભાડું 5 થી 7 હજાર કે તેથી વધુ ચુકવવામાં આવે છે, શરૂઆતમાં થોડા દિવસ માત્ર અને માત્ર વિડીયો ગેમ રમાડાય છે. પણ બાદમાં પાર્લરમાં નિયમિત આવનારાઓની સંખ્યા વધી જાય પછી શરૂ કરી દેવાય છે. ગેમ્સના નામે ગેમ્બલિંગ, બાળકો-તરૂણો પણ આવા પાર્લરોમાં ગેમ્સ પડતી મૂકી પૈસા કમાવવાની લાલચમાં જુગાર રમતા થઈ જાય છે. આ જુગારમાં મોટાભાગે કોઈ જીતતું નથી. હા, જીતે છે -માત્ર રમાડનારા! શહેરના કેટલાંક વિસ્તારોમાં તો કહેવાતા રાજકીય લોકો પણ આ ધંધામાં કાળા હાથ કરી રહ્યાંનું કહેવાય છે.

બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા ગેમ્સ પાર્લરોમાં બેરોકટોક જુગટૂ રમાય છે છતાં આ બધું અટકાવવાની જેની જવાબદારી છે તે પોલિસ તંત્ર નિરાંત રાખીને શા માટે બેઠું છે....? આવો સવાલ સૌ કોઈ જાગૃત નાગરિકોના મનમાં ઉઠે એ સ્વાભાવિક છે. ત્યારે આ સવાલના જવાબના રૂપે જાણકારો કહી રહ્યાં છે કે તાલી એક હાથે ન પડે. જે બધાને દેખાય તે પોલીસને ન દેખાય તેનું કારણ છે સેટીંગ. માત્ર જે તે પોલીસ મથક નહીં પણ બ્રાન્ચને પણ સાચવવી પડતી હોય છે.

ગેમ્સના નામે ગેમ્બલીંગના પાર્લર ચલાવવા મહિને મોટું ચૂકવણું કરી સેટીંગ થતું હોવાનું પણ જાણકારો કહે છે. આવા ધંધામાં કમાય છે. પાર્લરના સંચાલકો અને સેટીંગ કરનારા. જ્યારે ગુમાવે છે-બેહાલ થઈ જાય છે. બાળકો-તરૂણો અને યુવાનો. રોજેરોજ રમવાની ટેવ ધરાવતાં આવા બાળકો તરૂણો-વિદ્યાર્થીઓ અને યુવાનો ટેવ પોષવા ચોરી કરવાના રવાડે ચડી પણ જતાં હોય છે.તો ક્યારેક આવા પાર્લરમાં આવતાં રખડું, લુખ્ખા, આવારા તત્વોની સોબતમાં આવી જઈ ગુન્હાખોરીના માર્ગ તરફ પણ કદમ માંડી લેતાં હોય છે.

No comments:

Post a Comment