Saturday, September 5, 2009

50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ અંધશ્રધ્ધામાં રાચે છે : સર્વેશ્રણનું તારણ
By ENN,
બિલાડી આડી ઉતરે તો, 66.18 ટકા વિદ્યાર્થીઓ અટકી જવાનું પસંદ કરતા હતા. 62.18 ટકા કાળા કપડા પહેરવાનું ટાળતાઃ ત્રણ વ્યક્તિ સાથે નીકળે તો કામ ન થાય- 61 ટકાનો ભૂતપ્રેતનાં અસ્તિત્વનો સ્વીકાર : 57 ટકાની નજર લાગતી હોવાની માન્યતા: માદળીયા-વીંટી પહેરવાથી સારા માર્ક આવે- 68 ટકાની માન્યતા.

વહેમ અને અંધશ્રદ્ધાથી પર હોય એવા સમાજના નિર્માણમાં શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. શિક્ષકોની ખરી-ખોટી મન્યતાઓની અસર જાણે- અજાણ્યે વિદ્યાર્થીઓ પર પડ્યા વિના રહેતી નથી. આ પરિપેક્ષ્યમાં જેઓ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા તરૂણોના શિક્ષક બનવા જઇ રહ્યા છે એવા સુરત શહેરના શિક્ષણ મહાવિદ્યાલયોના પ્રશિક્ષણાર્થીઓમાં અંધશ્રધ્ધા પ્રવર્તે છે કે કેમ એ જાણવાના મુખ્ય હેતુને કેન્દ્રમાં રાખી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના વ્યાખ્યાતા ડો. જયા યોગેશ હલાટવાળાએ એક સ્વતંત્ર સર્વેક્ષણ હાથ વર્યું હતું.

વર્તમાનપત્રોમાં અવારનવાર સમાચારો વાંચવા મળે છે કે અમુક ગામમાં કોઇ મહિલાને ડાકણ સરજી મારી નાંખવામાં આવી, બંગડી બોલે છે, રાખડી ન છોડે તો ભાઇનું મૃત્યુ થાય, ભીખ માગીને લીલી બંગડી ન પહેરે તો બાળકોને હાનિ પહોંચે વગેરે વગેરે. આ પ્રકારની અંધશ્રધ્ધામાં રાચનારા સમાજમાં શિક્ષિત રાજકારણી, તબીબો, વકીલો, ફિલ્મ-ટી.વી. કલાકારો પણ હોય છે. ચૂંટણીમાં જીતી જઇશું કે નહીં, કેટલા મતથી વિરોધીઓનું ખેદાન-મેદાન થઇ જાય તેવી યુક્તિ બાબતે, ફિલ્મ કલાકારો પોતાની ફિલ્મ હિટ જાય તે માટે, તબીબો મેજર ઓપરેશન સફળ થાય તે માટે તથા વકીલો કેસ જીતી જાય તે માટે ભૂવાઓ અને મેલી વિદ્યા જાણતા લોકોના સંપર્ક સાધે છે, એવું વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થતાં સમાચારો દ્વારા જાણવા મળે છે. આ સંજોગોમાં શિક્ષકો તો ઉત્તમ નાગરિકોના ઘડવૈયા છે. તેઓ આંધળી અને ભ્રામક માન્યતાઓનો શિકાર હોય તો ઉત્તમ નાગરિકોનો અભાવ જન્મે અને સમાજ પ્રદુષિત વિચારધારાયુક્ત બને. આથી, ડો. જયા હલાટવાળાએ સુરત શહેરના શિક્ષણ મહાવિદ્યાલયોમાં 300 પ્રશિક્ષણાર્થીઓમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા સંદર્ભે એક મહિતીપ્રદ સર્વેક્ષણ હાથ ધર્યું હતું, જેના અત્યંત રસપ્રદ અને ચોંકાવનારા તારણો પ્રાપ્ત થયા હતા.
1. પરીક્ષા આપવા કે કોઇ કાર્ય અર્થે બહાર નીકળવાનું થાય ત્યારે બિલાડી આડી ઉતરે તો 66.18 ટકા પ્રશિક્ષણાર્થીઓ થોડોક સમય અટકી જવાનું પસંદ કરતા હતા.
2. કૂતરું રડે ત્યારે કોઇકનું મૃત્યુ થાય એવું 66.91 ટકા પ્રશિક્ષણાર્થીઓનું માનવું હતું.
3. કાળો રંગ અશુભ ફળ આપે એવું વિચારી તે રંગના કપડાં પહેરવાનું 62.18 ટકા પ્રશિક્ષણાર્થીઓનું ટાળતા હતા.
4. કોઇ શુભ કાર્યે અર્થે ત્રણ વ્યક્તિ સાથે જાય તો કાર્ય સફળ ન થાય એવું 61.09 ટકા પ્રશિક્ષણાર્થીઓ માનતા હતા.
5. ભૂત-પ્રેતના અસ્તિત્વને 60.36 ટકા પ્રશિક્ષણાર્થીઓ સ્વીકારતા હતા.
6. મૃત્યુ પછીના અંગદાનથી નર્કમાં જવાય છે એવું 58.61 ટકા પ્રશિક્ષણાર્થીઓ માનતા હતા.
7. પરિવારની કોઇ વ્યક્તિ વધારે બીમાર પડે ત્યારે નજર લાગી છે એવું 57.09 ટકા પ્રશિક્ષણાર્થીઓ માનતા હતા.
8. દોરા-ધાગા-માદળિયા-વીંટી પહેરવાથી પરીક્ષામાં સારા માર્કસ આવે છે એવું 56.36 ટકા પ્રશિક્ષણાર્થીઓનું માનવું હતું.
9. મૃત્યુ પછી કરવામાં આવતા તમામ ક્રિયાકાંડો અનિવાર્ય છે એવું 68 ટકા પ્રશિક્ષણાર્થીઓનું માનવું હતું.
શિક્ષણ મહા વિદ્યાલયોના પ્રશિક્ષણાર્થીઓ ભવિષ્યના નાગરિકોને ઘડનારા ભાવિ શિક્ષકો છે. શિક્ષકો આંધળી અને સમજ વગરની માન્યતા ધરાવતા હોય તો જાણે-અજાણે વિદ્યાર્થીઓમાં પણ તેમના બીજ રોપાય છે. વિદ્યાર્થીઓ શિક્ષકોથી ખૂબ પ્રભાવિત હોય છે. માતા-પિતાના શબ્દો પર વિશ્વાસ ન મૂકનારા વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકની કહેલી વાત સાચી માનતા હોય છે.

શિક્ષક પાસે સમાજ પણ એક ચોક્કસ પ્રકારની અપેક્ષા રાખે છે. શિક્ષક વહેમ, અંધશ્રધ્ધાથી પર હોય તો પોતાના વિદ્યાર્થીઓના મનને પણ પ્રદુષિત થતાં બચાવી શકે છે, અને તો જ સ્વસ્છ અને સ્વસ્થ સમાજનું નિર્માણ થઇ શખે. આ સંશોધન જેઓ ભવિષ્યમાં માધ્યમિક શાળાઓના તરૂણાવસ્થામાંથી પસાર થતા મુગ્ધ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના છે તેમનામાં પ્રવર્તતી ભ્રામક માન્યતાઓને દૂર કરવાની દિશામાં વિચારવા, યોગ્ય માર્ગદર્શન આપવા સંચાલકો, આચાર્યો અને વ્યાખ્યાતાઓ માટે ઉપયોગી છે.

No comments:

Post a Comment