Saturday, September 5, 2009

ભારતમાં ડે-નાઈટ મેચની શરૂઆત 1984માં થઈ હતી

પ્રથમ ડે-નાઈટ વન-ડે મેચ 1979માં રમાઈ હતી

by ENN,
અમદાવાદ,
વન-ડે મેચોની સંખ્યા વધતા હવે ટેસ્ટ ક્રિકેટપ્રેમીઓને રસ ઓછો થઈ ગયો અને હવે તો ટવેન્ટી-20ના આગમન બાદ 50 ઓવરની મેચોમાં પણ દર્શકોની સંખ્યા ઓછી જોવા મળે છે. જો કે ડે-નાઈટ વન-ડે મેચોમાં દર્શકોની સંખ્યા જોવા મળે છે. વાત ડે-નાઈટ મેચોની કરીએ તો ડે-નાઈટ મેચોએ ભારતીય દર્શકો જ નહીં પરંતુ વિદેશી દર્શકોમાં પણ ભારે ઘેલું લગાડેલું છે. ક્રિકેટરો પણ ડે-નાઈટ મેચ દરમ્યાન વધુ અનુકૂળતા રહેતી હોવાનું ઘણીવાર કહેતા હોય છે. ડે-નાઈટ મેચોના એક ઈતિહાસ તરફ નજર કરીએ તો વિશ્વમાં સૌપ્રથમ ડ-નાઈટ વન-ડે ઈન્ટરનેશનલ મેચ 1979ના વર્ષની 27 નવેમ્બરે ગ્રેગ ચેપલ અને કલાઈવ લોઈડની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે સિડનીના મેદાન પર રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયા ટીમે વિન્ડીઝને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો. ત્યારબાદ ડે-નાઈટ મેચોનો સુવર્ણ યુગ શરૂ થયો અને ધીરે ધીરે ડે-નાઈટ મેચોનું આયોજન વધવા લાગ્યું હતું. જેથી હવે આઈસીસી પણ જુની પ્રણાલિકાઓને નેવે મુકી ડે-નાઈટ મેચો માટે પુરતા સક્ષમ સ્ટેડિયમોનો વધુ આગ્રહ રાખે છે. સાથે સાથે બીસીસીઆઈ પણ પોતાની સાથે સંકળાલિત રાજ્યોના ક્રિકેટ એસોસિએશનને આર્થિક સહાયતા પૂરી પાડી વધુમાં વધુ સ્ટેડિયમમાં ફલડ લાઈટની વ્યવસ્થા કરી ડે-નાઈટ મેચો માટે સજ્જ કરાવી રહી છે. ભારતમાં ડે-નાઈટ મેચના આયોજનની વાત કરીએ તો દિલ્હીના જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમ ખાતે 1984ની 28 સપ્ટેમ્બરે સૌ પ્રથમ ડે-નાઈટ મેચનું આયોજન કરાયું હતું. જેમાં ભારતીય ટીમનું નેતૃત્વ સુનિલ ગાવસ્કરે સંભાળ્યું હતું. ભારતમાં અત્યાર સુધી 56 ડે-નાઈટ મેચો રમાઈ ચુકી છે. જ્યારે સમગ્ર વિશ્વમાં ડે-નાઈટ મેચોનું આયોજન કરી ચૂકેલા 54 સ્ટેડિયમ છે જેમાં સૌથી વધુ 114 મેચો સિડનીના મેદાન પર રમાયેલી છે.

No comments:

Post a Comment