ગુજરાતના ફાર્મા કંપનીઓની તંદુરસ્તી વિદેશી બજારોને આભારી
By ENN,
અમદાવાદ,
ગુજરાત સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે 30 જૂનના અંતે પૂરું થતું ક્વાર્ટર કમાણીની સારી સિઝન પુરવાર થયું છે. ગુજરાતની મુખ્ય ચાર કંપનીઓએ ચોખ્ખા નફામાં પ્રભાવક વૃદ્ધિ નોંધાવી છે. કંપનીઓનો આ દેખાવ વિદેશી બજારમાં કંપનીઓની મજબૂત કામગીરીને કારણે હતો અને તે વિશ્લેષકોની ધારણાથી વિપરીત નોંધાયો હતો. ઝાયડસ કેડિલા, એલેમ્બિક અને દિશમાન ફાર્માસ્યુટિકલના ચોખ્ખા નફામાં અનુક્રમે 39 ટકા, 160 ટકા અને 41.4 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે ટોરેન્ટ ફાર્માના નફામાં 69 ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેલિગર હાઈચેન્સ હેરિસન રિસર્ચે તેના ગયા મહિનાના અહેવાલમાં દિશમાન અને કેડિલા હેલ્થકેરના ચોખ્ખા નફામાં અનુક્રમે 2.8 ટકા અને 7.1 ટકાના ઘટાડાની આગાહી કરી હતી.
અમેરિકા, યુરોપ અને ઊભરતાં બજારોમાં વૃદ્ધિને પગલે ફોર્મ્યુલેશન નિકાસમાં સર્વાંગી વૃદ્ધિ થતાં ઝાયડસના ચોખ્ખા નફામાં ઉછાળો નોંધાયો હતો તેવી જ રીતે એલેમ્બિક અને ટોરેન્ટનો નફો સ્થાનિક ફોર્મ્યુલેશન બિઝનેસમાં ઊંચા વેચાણ અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને આભારી છે. દિશમાન ફાર્મા માટે તેની વૃદ્ધિ તેના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એન્ડ કોન્ટ્રાક્ટ રિસર્ચ બિઝનેસ (ક્રેમ્સ)ને આભારી રહી હતી. બજાર વિશ્લેષણોના જણાવ્યા મુજબ, ''ગુજરાતની મોટા ભાગની ફાર્મા કંપનીઓને નિકાસને કારણે સારી કમાણી થઈ છે. ઘણાં વર્ષોના અનુભવ બાદ તેમણે વિદેશી બજારોમાં તેમની કામગીરી સુધારી છે અને જોખમી બજારોમાં રોકાણ ઘટાડ્યું છે.''
ટોરેન્ટ ફાર્માના ચોખ્ખા નફામાં ઘટાડો મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ (મેટ)ને કારણે નોંધાયો હતો, તેને બાદ કરતાં ચોખ્ખો નફો 55 ટકા વધ્યો હતો. આ દેખાવ આગામી કવાર્ટરમાં વધુ સારા દેખાવનો સંકેત આપે છે તેમ એક વિશ્લેષકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતુ. તેમણે જણાવ્યું હતું કે, ''કંપની જો આગામી કવાર્ટર્સમાં આ જ દિશામાં ગતિ કરવાનું ચાલુ રાખશો તો નફામાં વધારો થઈ શકે છે.'' રાષ્ટ્રીય સ્તરની ફાર્મા કંપનીઓ ડો.રેડ્ડીઝ લેબ, રેનબેક્સી, સિપ્લા, લ્યુપિન અને બાયોકોન જેવી કંપનીઓએ જૂનના અંતે પૂરા થતા ક્વાર્ટરમાં તેમના ચોખ્ખા નફામાં વધારો નોંધાવ્યો છે. જોકે ચોખ્ખા નફામાં ઘટાડો નોંધાવનાર ટોચની કંપનીઓમાં સનફાર્મા અને ગ્લેનમાર્કનો સમાવેશ થાય છે.
ડો.રેડ્ડીઝના ચોખ્ખા નફામાં 120 ટકાની વૃદ્ધિ ઉતર અમેરિકા અને ભારતમાં સુમાટ્રિપ્ટાન (માઈગ્રેઈન ડ્રગ) ના વેચાણમાં વધારો અને ખર્ચ પુનઃરચનાને કારણે નોંધાયો હતો. બાયોટેક્નોલોજી કંપની બોયોકોન તેના પ્રથમ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 262 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. આ વૃદ્ધિ તેના સર્વિસ બિઝનેસના મજબૂત દેખાવ તેમજ તેણે લીધેલાં કેટલાંક ખર્ચકાપનાં પગલાંને આભારી હતી.
No comments:
Post a Comment