નવરાત્રી, ખોવાઈ ગયેલા શેરી ગરબાને જીવતો રાખવા મથામણ
ધંધાદારી અને ઝાકમઝોળભર્યા માત્ર નાચવા-કુદવાના આયોજનોમાં માતાજીની ભક્તિનું પર્વ, છેડછાડ અને આનંદ-પ્રમોદનું પર્વ બની જાય એ કઈ રીતે ચાલે ?
ByENN,
અમદાવાદ,
તહેવારોની મોસમ બરાબર જામી રહી છે. દિવાળી સુધી ચાલનારી તહેવારોની આ વણઝારમાં જગતજનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીને આડે દિવસો ગણાઈ રહ્યા છે. આ નવરાત્રી પર્વમાં રમાતા રાસ-ગરબામાં ભારતીય સંસ્કૃતિની ઓળખ છૂપાયેલી છે. જો કે છેલ્લા કેટલાંક વર્ષોથી શ્રદ્ધાનાં આ પર્વ નવરાત્રીમાં પશ્ચિમી સંસ્કૃતિનું અતિક્રમણ દેખાઈ રહ્યું છે. શેરીઓમાં રમાતા ગરબા અને રાસનું સ્થાન હવે મોટા આયોજનો વાળા ડીજે સાઉન્ડ સીસ્ટમ લઈ રહ્યાં છે. તેમાં પણ છેલ્લા કેટલાંક વર્ષોથી નવરાત્રીમાં બોલરૂમ ડાન્સ, ચાચાચા, ઝામ્બા, સાલસા વગેરે સ્ટેપ પણ જોવા મળી રહ્યા છે.અહીં નવાઈની વાત એ છે કે, આજનું યુવાધાન પણ એ દીશામાં ઢળી રહ્યું છે.
સમગ્ર વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે કે, જયાં ભગવાનની કલાકો નહિ પણ દિવસો સુધી ભક્તિ કરવામાં આવે છે. ગુજરાતી અને ગરબો એકબીજાના પર્યાય તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે, જયાં ગરબો હોય ત્યાં ગુજરાતી હોય અને જ્યાં ગુજરાતી હોય ત્યાં ગરબો હોય. આ ગરબામાં માતાની ભક્તિ છુપાયેલી છે. બદલાયેલા સમયની સાથે ગરબો પણ હવે જાણે મોર્ડનાઈઝેશન તરફ આગળ વધી રહ્યો છે.ગરબાની સાથે સાથે હવે નવરાત્રીમાં રાસ, દોઢીયા, વેસ્ટર્ન સ્ટેપ્સ વગેરે પણ જોવા મળે છે. નવરાત્રીની સાચી ઉજવણી તો શેરી ગરબામાં જ છુપાયેલી છે.પહેલાં મહોલ્લામાં માતાજીની માટલી મુકવામાં આવતી, અને નવરાત્રીનાં નવ દીવસો સુધી ગરબા ગાવામાં આવતાં જેમાં ખેલૈયાઓ મન મુકીને ઝુમતા,પણ હવે સમય બદલાયો છે. એવું નથી કે, માતાજીની ભક્તિ ઓછી થઈ ગઈ છે. માતાજીની ભક્તિ તો એજ છે પણ યુવાન હૈયાઓ હવે નવરાત્રીમાં પોતાનો મહોલ્લો અને શેરી છોડીને બીજી તરફ ભટકતાં થઈ ગયા છે.માતાજીની સાચી ભક્તિ ડીજે રાઉન્ડમાં ઝૂમવામાં નહીં પણ શેરીઓમાં યોજાતા રાસ-ગરબામાં છે.
No comments:
Post a Comment