Tuesday, September 15, 2009

એ.સી. વાળા મોલ્સની ભરમાર છતાં બજારમાં ખરીદીના મજા કંઈક જુદી જ છે

ખરીદી માટે ત્રણ દરવાજા, પાનકોરનાકા, ઢાલગરવાડ, ભદ્ર, રતનપોળ સૌના માનીતા સ્થળ

By ENN,
અમદાવાદ,
શહેરમાં છેલ્લા એકાદ દાયકાથી મોર્ડન શોરૂમ અને શોપીંગ મોલ્સનો રાફડો ફાટી રહયો છે અને લોકો પણ ચેન્જ ખાતર પરંપરાગત દુકાનમાંથી કરાતી ખરીદી તરફથી આવા મોલ અને શોરૂમ તરફ વળ્યા હતા પરંતુ નવું નવું નવ દિવસની જેમ મોટાભાગના લોકો પુનઃ ફુટપાથ અને દુકાનની ખરીદી તરફ વળ્યા છે અને આ લોકોની ખરીદીનું પસંદગીનું સ્થળ છે ભદ્ર, ત્રણ દરવાજા, ઢાલગરવાડ, પાનકોરનાકા અને રતનપોળ અહીં સ્ટોર્સ કે મોલની જેમ એ.સી.માં ખરીદવાનો લ્હાવો મળતો ન હોવા છતાં તડકામાં રખડપટ્ટી કરીને પણ ખરીદીની જે મજા મળી છે તેનો આનંદ જ કંઈ ઓર હોય છે.

મોલ્સ અને સ્ટોર્સમાં ખરીદી કરનારો પણ એક ચોક્કસ વર્ગ છે. જ્યારે મધ્યમ વર્ગ પણ આવા મોલ્સની ખરીદી તરફ વળ્યો છે. પરંતુ એ પણ અનાજ કરીયાણા સહિતની જીવન જરૂરી માટે જ પરંતુ જ્યારે વસ્ત્રો અને કાપડની તથા ઘરવપરાશની અન્ય વસ્તુની ખરીદીની વાત આવે ત્યારે મોટાભાગના લોકોની નજર મંડાય છે ત્રણ દરવાજા તરફ. આ વિસ્તારમાં આવો એટલે મોટાભાગની જીવન જરૂરી વસ્તુ અહીં વ્યાજબી દરે મળી રહે છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં શ્રેયસ ક્રોસિંગ નજીક રહેતા પલ્લવીબોન શાહ જણાવે છે કે, મારા આઠ વર્ષના પુત્ર કૃણાલને એ.સી. વિના ચાલતું નથી. ઘરમાં, કારમાં એ.સી. હોવાથી તેને એવી આદત પડી ગઈ છે કે, ગરમીમાં અકળામણ અનુભવે છે. પરંતુ જ્યારથી હું તેને ત્રણ દરવાજા વિસ્તારમાં ખરીદી માટે લાવી છું ત્યારથી તે ગરમીની પરવા કર્યા વિના મમ્મી ચાલોને ત્રણ દરવાજા ખરીદી કરવા જોઈએ, એવી જીદ પકડે છે. આથી મારે એને અહીં ખરીદી માટે લાવવો પડ્યો અને નવાઈની વાત એ છે કે, હાલ આટલી ગરમીમાં પણ તે ખરીદીમાં એટલો ઓતપ્રોત બની ગયો છે કે એસીની આદત છે તે ભુલી જ ગયો છે અને ખરૂ પુછો તો હું પણ મારા પિયરમાં હતી ત્યારે કોલેજ કાળથી ખરીદી કરવા તો અહીં જ આવતી હતી. આ બજારમાં પસંદગીની વિશાળ તક અને એ પણ સામાન્ય દરે મળી રહે છે. ઈસનપુર વિસ્તારમાં રહેતા એક સરકારી અધિકારી જણાવે છે કે મને ફેમિલી સાથે ખરીદી કરવાની ખૂબ મજા આવે છે. આથી દર મહિને અમે ખરીદી કરવા ત્રણ દરવાજા, ઢાલગરવાડ તથા આસપાસના બજારમાં ફરીએ છીએ. અહીં રસ્તામાં ફરતા-ફરતા વસ્તુની પસંદગી કરી ખરીદી કરવાની અને બોર્ગેઈનિંગ કરવાની મજા જ કંઈ ઓર છે જે મોટા સ્ટોર્સ કે મોલમાં નથી આવતી પણ અહીં એક સમસ્યા છે પાર્કિંગની, બજારમાં ખૂબ ભીડ હોય ત્યારે કાર કયાં પાર્ક કરવી એ સમસ્યા સર્જાય છે. આથી હાલ તહેવારોની મોસમ હોઈ ભીડ વધુ રહેવાની આથી અમે રિક્ષામાં આવ્યા છીએ પરંતુ અહીંની ખરીદી કરવાનો મોહ છુટતો નથી.

આમ શહેરમાં કોઈપણ ખૂણે કે ગુજરાતના કોઈપણ ગામડામાં રહેતા વ્યક્તિ અમદાવાદ આવ્યો હોય ત્યારે કયારેક ને કયારેક તો ત્રણ દરવાજા, ભદ્ર, પાનકોરનાકા કે ઢાલગરવાડ, રતનપોળ વિસ્તારમાં ખરીદી કરવા ન આવે તેવું બની જ ન શકે. આથી જ હાલ નવરાત્રી અને રમઝાન ઈદનો પર્વ નજીક આવી રહયો છે. ત્યારે આ બજારમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે.

No comments:

Post a Comment