મોર કળા કેમ કરે છે?; 'કળા' કરવાની મહેનત જાણવા જેવી છે!
By ENN,
અમદાવાદ,
સામાન્ય રીતે આપણા મનમાં એક એવી છાપ છે કે, મોર કળા કરે એટલે એ સારો લાગે. બસ આનાથી વિશેષ કાંઈ નહીં. હવે જરા મોરની કળા પાછળનું ઉંડાણ જાણીએ. પક્ષી નીરિક્ષક વિનેદભાઈ પંડ્યા કહે છે કે, મોર કળા કરે છે, ઢેલને રિઝવવા. એક સ્થળે એક જ મોર હોય તો સવાલ નથી પણ બે-ચાર મોર ભેગા થઈ ગયા હોય તો કળા કરવામાંય હરિફાઈ જામે છે. મોર ટહુંકા કરે તો એમાંય કોનો ટહુકો મોટો અને મધૂરો હોય, એનીય હરિફાઈ અંદરો અંદર થાય. આમ તો મોરની પ્રજનન કરવાની ઋતુ ચોમાસુ છે પણ હવે એમાંય ગ્લોબલ વોર્મિંગની અસર થઈ હોવાનું મનાઈ રહ્યું છે. શ્વાનની જેમ મોર ભાદરવામાંય પ્રજનન કરવા સક્ષમ બને છે.
મોરને જ્યારે ખબર પડે કે, આજુબાજુના વિસ્તારમાં ઢેલનો મેળાવડો છે તો એ કળા કરવા માનસિક રીતે તૈયાર બને છે. એ સીધેસીધી કળા કરતો નથી પણ પહેલાં પોતાના પીંછાને ધીમેધીમે હલાવીને ઝાંઝરના રણકાર જેવો અવાજ કરે છે, પછી પીંછાને ફેલાવીને કળા કરે છે. કળા કર્યા પછી એના ટહુકામાં ફેર પડી જાય છે અને ઢેલને પોતાની કળા જોવા આમંત્રણ આપે છે. ઢેલ મોરની નજીક આવે છે. પણ મોરની પાછળના ભાગે આવીને ઉભી રહી જાય છે. કારણ કે, જ્યારે મોર કળા કરે ત્યારે આગળના પીંછાનો અદ્દભૂત ઉઠાવ આવે છે પણ પાછળના તેના લાંબા કેસરી પીંછા ઢેલને વધારે આકર્ષિત કરે છે. મોર કળામાં પણ વેરાઈટી કરે છે, પીંછાને ફેલાવવા, પીંછાને હલાવવા, કળાને એકબાજુ નમાવવી. કળાને ઉંધી દિશામાં નમાવવી. આ બધી રમત જોવા જેવી છે. નોંધવા જેવી વાત એ છે કે, ઢેલ જ્યારે મોરની નજાક આવે ત્યારે મોર તેની સામે સીધો ઊભો નથી રહેતો, ઊંધો જ ઉભો રહે છે અને ઉંધા પગે ચાલીને ઢેલની નજીક જાય છે. જો મોરની કળા ઢેલને ગમી જાય તો જ ઢેલ ટહુકા કરી મોરને 'હા' પાડે છે.....અને બને અલગ જગ્યાએ ચાલ્યા જાય છે. મોરની કળા સારી દેખાવ માટે નથી હોતી, એનું મહત્વ પણ ઘણું છે. છેલ્લે એક મજાની વાત, મોર કે ઢેલને આપણી જેમ તેના પીંછાના બધા કલર દેખાતા નથી! ઢેલ મોરની કળા કરવાની 'કળા' ઉપર વારી જાય છે, તેને પીંછાના કલર સાથે લેવાદેવા નથી!
No comments:
Post a Comment