Saturday, September 5, 2009

અમદાવાદના ભૂંડવાડામાં મળે છે 'સ્વાઈન' ની સાથે 'ફ્લૂ' મફતમાં!
અમદાવાદમાં ભૂંડનું બેરોકટોક વેચાણઃ હોટલો મટનના નામે ડુક્કરનું સસ્તુ માંસ પીરસે છે

by ENN,
અમદાવાદ,
સ્વાઈન ફલૂના ફેલાવાની દ્રષ્ટિએ ગુજરાત દેશના પ્રથમ પાંચ સંવેદનશીલ રાજ્યો પૈકીનું એક છે. અહીંયા ખૂબ ટુંકાગાળામાં પાંચ દર્દીઓ સ્વાઈન (ડુક્કર) ફલૂના કારણે મોતને ભેટ્યા છે અને શંકાસ્પદ દર્દીઓનો આંક 500ની નજીક પહોંચ્યો છે. આ રોગ ડુક્કર (ભૂંડ)ના સંસર્ગમાં આવવાથી ફેલાયો હોવાની નગ્ર વાસ્તવિકતા વચ્ચે આજે પણ અમદાવાદમાં અનેક ઉછેર કેન્દ્રો (ભૂંડવાડા) પરથી રોજનાં સેંકડો ભૂંડોનું વેચાણ થાય છે.

અમદાવાદમાં ભૂંડ પકડવા ઘેરીલા પદ્ધતિ અપનાવાય છે. ચારે બાજુથી ભૂંડને ઘેરી લીધા બાદ તેને ઝડપી લઈ ઊંચકીને વાહનમાં ઠાલવવામાં આવે છે. નેમણિનગરને અડીને આવેલા હાટકેશ્વર-ભાઈપુરા વિસ્તારની જાત મુલાકાત દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ વિસ્તારમાં દસ જેટલા ભૂંડ ઉછેર કેન્દ્રો આવેલા છે. માનવ વસ્તીની વચ્ચે આવેલા અને ગંદકીથી ખદબદતા પ્રત્યેક ઉછેર કેન્દ્રોમાં 40થી 50 જેટલાં ભૂંડને રખાય છે.

આવું જ એક કેન્દ્ર ધરાવતા રાજેશ મરાઠા નામના પાલકે સનસનીખેજ વિગતો આપતા જણાવ્યું કે, અત્રે ભાઈપુરા વિસ્તારમાં ડઝન જેટલા ઉછેર કેન્દ્રો છે પરંતુ નરોડા નજીક આવેલા કુબેરનગર વિસ્તારમાં 25થી 30 વાડા છે. ભાઈપુરામાં 10 વેપારીઓના હાથ નીચે લગભગ 150 લોકો કામ કરે છે. મહિના પહેલા એક વેપારી રોજના 10 જેટલા ભૂંડની કતલ કરતો હતો, પરંતુ સ્વાઈન ફલૂના કારણે અમારા વેપારમાં મંદી આવી છે. હવે રોજના બેથી ત્રણ ડુક્કર વેચાય છે. ખાસ કરીને આજુબાજુમાં રહેતા લોકો માંસ ખરીદે છે.

સ્વાઈન ફલૂની વાસ્તવિક્તા વચ્ચે પણ ઠીક ઠીક વેપાર થવાનું કારણ દર્શાવતા મરાઠાએ કહ્યું કે, પાડા-બળદ કે તેના જેવા મોટા પશુનું માસ 80થી 90 રૂપયે કિલો અને બકરા-બકરીનું માંસ 110-120 રૂપિયાના ભાવે વેચાય છે. જ્યારે ડુક્કરનું માંસ ફક્ત 50 રૂપયે કિલોના ભાવે વેચાતું હોવાથી તેનો વધુ ઉપાડ રહે છે. ખાસ કરીને હોટલોવાળા મટનના નામે ભૂંડનું માંસ પીરસે છે અને માંસ પારખવાની અજ્ઞાનતાને કારણે લોકો તેને ટેસથી આરોગે પણ છે. કોર્પોરેશનના કર્મચારીઓએ થોડા વખત પૂર્વે ભૂંડના વેપારીઓના આરોગ્યની ચકાસણી જરૂર કરી હતી પરંતુ અહીંયા માનવવસ્તીની વચ્ચે જે રીતે બેરોકટોક ઉછેર કેન્દ્રો ફૂલીફાલી રહ્યાં છે તે જોતા વાયરસ ફેલાવાનું જોખમ વધી ગયું છે. અમદાવાદ અને આજુબાજુમાંથી પકડાતાં ભૂંડોની કોર્પોરેશન સંચાલિત કતલખાનામાં ભૂંજદીઠ રૂ।.4માં કતલ કરી અપાતી હોવાનું બહાર આવ્યું છે.

No comments:

Post a Comment